પોલીસને ફોન કરી યુવકે કહ્યું: મારો ફોન ટ્રેસ કરી મને બચાવો

શહેરના સીટીએમ પાસેથી ટ્રાવેલિંગનો વ્યવસાય કરતાં એક યુવકનું ત્રણ શખ્સોએ અપહરણ કરીને તેને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. અપહરણકર્તાઓની ભાડે લીધેલી બે ઇકો ગાડીને યુવકે પરત નહીં કરતાં તેનું અપહરણ કરવામાં આવ્યુ હતું. અપહરણ કરનાર શખ્સોએ તેને શહેરની અલગ અલગ જગ્યાએ લઇ જઇને ઢોરમાર માર્યો હતો ત્યારે મોડી રાતે એક કોમ્પ્લેક્સમાં તેને ગોંધી રાખવામાં આવ્યો હતો. જોકે વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચે યુવાનને અપહરણકર્તાના ચુંગલમાંથી છોડાવીને ત્રણની ધરપકડ કરી હતી.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં રહેતા અને ટ્રાવેલ્સનો વેપાર કરતા પ્રતીકભાઇ મૂકેશભાઇ સોનીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પ્રતીકભાઇએ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પ્રતીકભાઇએ રાકેશ નામના શખ્સ પાસેથી બે ઇકો ગાડી ભાડેથી ફેરવવા માટે લીધી હતી. તારીખ ૩૦ નવેમ્બરના રોજ સાંજના ચારેક વાગ્યાની આસપાસ પ્રતીકભાઇ તેના મિત્ર મુસાભાઇને જમાલપુર શાકમાર્કેટ પાસે મળવા માટે ગયા હતા. તે સમયે મુસાએ પ્રતીકભાઇને જણાવ્યું હતું કે અ‌‌કી નામના વ્યકિતએ મારો મોબાઇલ ફોન લઇ લીધો હતો, જેથી આપણે સીટીએમ જઇને મોબાઇલ ફોન પાછો લેતા જઇએ. મુસાભાઇની વાત માનીને પ્રતીકભાઇ રિક્ષામાં બેસીને અકી પાસે મોબાઇલ ફોન લેવા માટે ગયા હતા.

સીટીએમ-બરોડા એકસપ્રેસ હાઇવે પર પહોંચીને મુસાભાઇએ રાકેશને ફોન કરીને બોલાવ્યા હતા. થોડાક સમય પછી રાકેશ અને અકી બન્ને જણા ઇકો કાર લઇને આવ્યા હતા. અકીએ મુસાને ફોન આપીને જવાનું કહ્યું હતું ત્યારે પ્રતીકભાઇને રોકીને ઇકો કારમાં બેસાડી દઇને એક ગોડાઉનમાં બળજબરીપૂર્વક લઇ ગયા હતા. ગોડાઉનમાં પહોંચ્યા બાદ પ્રતીકભાઇએ રાકેશને કહ્યું કે તમે મને અહીંયાં ગોડાઉનમાં શા માટે લાવ્યા છો. આ વાત સાંભળીને અકીએ પ્રતીકભાઇને જણાવ્યું કે તારી સર્વિસ કરવાની છે. દરમિયાનમાં બન્ને જણા પ્રતીકભાઇને ગંદીગાળો બોલવા લાગ્યા હતા અને ઢોર માર મારવા લાગ્યા હતા તે સમયે અકીનો ડ્રાઇવરે પ્રતીકભાઇને લાકડાના દંડાથી મારવાનું શરૂ કર્યું હતું. થોડીવાર પછી બીજા બે શખ્સો ગોડાઉનમાં આવ્યા હતા અને પ્રતીકભાઇને મારવાનું શરૂ કર્યું હતું.

પ્રતીકભાઇને ઢોર માર માર્યા બાદ રાકેશે તેને પૂછ્યું કે મેં તને બે ઇકો ભાડે ફેરવવા માટે આપી છે તે ક્યાં છે અને અગાઉનું ભાડું કેમ નથી આપતો. મારથી બચવા માટે પ્રતીકભાઇએ રાકેશને ખોટી માહિતી આપી અને કહ્યું કે ગાડી દાણીલીમડા વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ પાસે પડી છે. રાકેશ, અકી અને તેનો ડ્રાઇવર પ્રતીકભાઇને લઇને ઇમરાનભાઇના ઘરે ગયા હતા. જ્યાં ઇમરાનભાઇએ તેમની પાસે ગાડી નહીં હોવાનું કહેતાં ત્રણેય જણા પ્રતીકભાઇ પર ઉશ્કેરાયા હતા અને ઇકો કારમાં મારવાનું શરૂ કર્યું હતું. આજે જો ગાડી નહીં મળે તો તેને જાનથી મારી નાખીશું તેવી ધમકી રાકેશે પ્રતીકભાઇને આપી હતી. હત્યા કરવાની ધમકી આપતાં પ્રતીકભાઇએ રાકેશ સમક્ષ કબૂલી લીધું હતું કે તમારી ગાડી ભાવનગરમાં રહેતા બાબુભાઇ અને મીરજાપુરમાં રહેતા દાનેશભાઇને આપી છે. મોડી રાતે રાકેશે દાનેશભાઇને ફોન કરીને મીરજાપુર મળવા માટે બોલાવ્યા હતા, જ્યાં દાનેશભાઇ પ્રતીકભાઇ મને ૩૦ હજાર રૂપિયા આપે તો હું તેમને ગાડી આપી દઇશ તેવું કહીને જતા રહ્યા હતા.

ઇકો ગાડી પરત નહીં મળતાં આખો દિવસ ત્રણેય જણાએ પ્રતીકભાઇને ઢોર માર માર્યો હતો. મોડી રાતે ત્રણેય જણા પ્રતીકભાઇને એક કોમ્પ્લેક્સમાં લઇ ગયા હતા, જ્યાં તેમને નજરકેદ કરી દીધા હતા. પ્રતીકભાઇને બંધક બનાવીને કોમ્પ્લેક્સમાં ફરજ બજાવતા ચાર સિક્યોરિટી ગાર્ડને તેના પર નજર રાખવાનું કહ્યું હતું. દરમિયાનમાં મોડી રાતે બાથરૂમ જવાના બહાને પ્રતીકભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું કે મારા મોબાઇલ લોકેશનને ટ્રેસ કરીને મને બચાવો. પોલીસે સમગ્ર મામલો ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચે પ્રતિકભાઈનો ફોન ટ્રેસ કરી તેમને અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના એસીપી રાજદીપ ઝાલાઅે જણાવ્યું છે કે પ્રતીકભાઈનું અપહરણ કરનાર ત્રણે શખસોની ધરપકડ કરી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like