૧૦૧ વર્ષીય એથ્લીટ માન કૌર મહિલાઓની પાંચમી પિન્કાથોન દોડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

નવી દિલ્હીઃ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ભાલાફેંક અને ગોળાફેંકના વિશ્વ માસ્ટર્સમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવનારાં પટિયાલાનાં ૧૦૧ વર્ષીય એથ્લીટ માન કૌર ૧૭ સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાનારી મહિલાઓની પાંચમી પિન્કાથોન દોડમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

માન કૌરે વર્ષ ૨૦૧૦માં ૯૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું અને પાછલાં આઠ વર્ષમાં તેઓ અમેરિકા, કેનેડા અને ન્યૂઝીલેન્ડમાં ૧૦૦ અને ૨૦૦ મીટર, ભાલાફેંક અને ગોળાફેંકમાં ૯૫ વર્ષથી વધુ ઉંમરની માસ્ટર્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યાં છે.

આયોજનના સંસ્થાપક મિલિંદ સોમણ અને માન કૌરના ૭૯ વર્ષીય પુત્ર ગુરદેવસિંહની હાજરીમાં મીડિયા સાથેની ચર્ચામાં માન કૌરે પંજાબી ભાષામાં જ્યારે પોતાની વાત રજૂ કરી ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો. આ ઉંમરમાં પણ તેમના અવાજમાં એ જ જૂનું જોશ અને ઉત્સાહ હતાં અને તેઓની ઝડપ યુવાઓને પણ માત આપનારી હતી. માન કૌરે કહ્યું, ”જ્યારે પણ હું દોડું છું ત્યારે સમગ્ર માહોલ અને લોકો મારી સાથે આવી જાય છે, જેનાથી મને એક નવો ઉત્સાહ મળી રહે છે. દોડતી વખતે મને ક્યારેય ઘૂંટણમાં દર્દનો અનુભવ થતો નથી.”

પોતાના રેકોર્ડ અંગે જણાવતાં માન કૌરના ચહેરા પર જાણે કે એક અલગ જ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. પોતાના સ્વાસ્થ્યનું રહસ્ય બતાવતાં તેમણે કહ્યું, ”હું હંમેશાં ઘરનું ખાવાનું જ ખાઉં છું. બજારની ચીજો મેં આજ સુધી ખાધી નથી.”

પુત્ર પણ કમ નથી
માન કૌરના પુત્ર ગુરદેવ ખુદ પણ ૭૫ વર્ષથી વધુ ઉંમરની માસ્ટર્સ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગુરદેવે ન્યૂઝીલેન્ડમાં લાંબા કૂદકામાં સિલ્વર મેડલ અને ૧૦૦ મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

માન કૌરના નામ પર ૧૦૦ મીટરમાં ૧.૧૪ મિનિટનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે
માન કૌરના નામ પર ૧૦૦ મીટરમાં ૧.૧૪ મિનિટનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે, જે તેમણે અમેરિકામાં બનાવ્યો હતો. માન કૌર પહેલી વાર વર્ષ ૨૦૧૧માં અમેરિકામાં દોડ્યાં હતાં અને ત્યારે તેમણે બે મેડલ જીત્યા હતા. ત્યાર બાદ તેમણે કેનેડામાં ચાર અને અમેરિકામાં પાંચ મેડલ જીત્યા છે.
http://sambhaavnews.com/

You might also like