મનુષ્ય ખૂબ બુદ્ધિશાળી અને વિવેકશીલ-વિચારવાન પ્રાણી

પરમાત્મા આપણી અતિશય સમીપ રહીને પ્રેમનો સંદેશ આપે છે, પરંતુ મનુષ્ય પોતાની વાસનાથી તેને કચડી નાખે છે. તે પોતાની સાદગી, તાજગી અને પ્રાણશક્તિથી આપણને હંમેશાં અનુપ્રાણિત રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ મનુષ્ય આડંબર, આળસ, અકર્મણ્યતા દ્વારા તે શક્તિને છિન્નભિન્ન કરી નાખે છે. કાળાંતરે જ્યારે આંતરિક પ્રકાશની શક્તિ ક્ષીણ થઇ જાય છે ત્યારે દુઃખ અને દ્વંદ્વ વધી જાય છે ત્યારે મનુષ્ય બીજાનું ભલું કરી શકતો નથી, ઊલટું પોતાનું જીવન જ તેને ભારરૂપ લાગે છે. પરમાત્માને અંતઃકરણથી દૂર કરવા એ જ કષ્ટ-ક્લેશ અને બંધનનું મૂળ કારણ છે.

મનુષ્ય ખૂબ બુદ્ધિશાળી અને વિવેકશીલ-વિચારવાન પ્રાણી છે, પરંતુ તે પોતાની આ શક્તિઓનો ઉપયોગ લૌકિક કામનાઓ અને ઇન્દ્રિય ભોગો સુધી જ સીમિત રાખે છે તે દુઃખદ છે. તે અજ્ઞાનરૂપી અંધકારથી ઘેરાયેલા માણસને આ મોટી શક્તિઓનો આભાસ પણ થતો નથી. તેથી તે ઘાણીના બળદની જેમ એક સીમિત વર્તુળમાં જ આંટા મારતો રહે છે. તેને એટલી પણ ખબર નથી કે આપણા માથે મોટી શક્તિઓનો હાથ છે અને તેમની પાસેથી જીવન સફળ બનાવવાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

માનવીય સમાજનો એક મોટો વર્ગ એવો છે, જેને પોતાની આ ગુપ્ત શક્તિઓનો આભાસ પણ થતો નથી અથવા તો તેઓ તે જાણવા જ માગતા નથી એ એક આશ્ચર્યની વાત છે. તેમને પોતાની દુર્બળતાઓનો ભાર લાદીને ફરતા જાનવરની જેમ જીવવું જ પસંદ હોય છે. ઘોડો, બળદ, હાથી કે બકરીની પીઠ પર સારી રીતે વસ્તુઓ લાદીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં આવે છે, પરંતુ તે બિચારા જાનવરને શું ખબર પડે કે તેમની પીઠ પર કોઇ કીમતી વસ્તુ મૂકી છે? તેમની પીઠ પર મૂકવામાં આવેલી કોઇ પણ વસ્તુ તેમના માટે ભાર સમાન જ છે અને તે જ રૂપમાં તેઓ ભારનું વહન કરે છે. અજ્ઞાનમાં ફસાયેલા માનવીની સ્થિતિ પણ બિલકુલ આવી જ હોય છે. તેના માટે વિચાર, વાણી કે વિવેક ઘોડા કે હાથીની પીઠ પર લાદેલા કીમતી સામાનની જેમ નિરર્થક હોય છે.

મનુષ્યને અપાર શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક તથા આત્મિક સંપદાઓથી સજાવીને આ ધરતી પર મોકલવામાં આવ્યો છે, પરંતુ પોતાના ઉપયોગની રીત જ ખોટી હોવાના કારણે, ઉદ્દેશ બદલાઇ જવાના કારણે તેને તે શક્તિઓનો લાભ તો મળતો નથી, ઉપરથી તે અશાંતિ, ભય, ગભરાટ, ચીડ, અસ્થિરતા, રાગ-દ્વેષ, ઘૃણા, સ્વાર્થ અને ઇર્ષાનું વાતાવરણ પેદા કરે છે. આત્મવિકાસ માટે પોતાની ક્ષમતાઓને ઇશ્વરીય રૂપમાં જોવાની હતી અને તેમનો પ્રયોગ દિવ્ય તેજ તથા સ્ફૂર્તિ મેળવવા માટે કરવાનો હતો. આવું કરનાર મનુષ્યનુું પોતાનું જીવન સાર્થક થાત અને બીજાઓને પણ આત્મકલ્યાણની પ્રેરણા મળત.

You might also like