કર્માધીન જગત

માણસ માત્રની આજે ફરિયાદ છે કે તેને જે જોઇએ છે તેને મળતું નથી. તેણે ધાર્યું હોય કંઇ અને થઇ જાય છે બીજું જ. તેની લાયકાત પ્રમાણે તેની કદર થતી નથી. આવી તો કેટકેટલીય ફરિયાદો સાથે આપણે જીવીએ છીએ. જીવન પ્રત્યે ફરિયાદ ન હોય એવો માણસ મળવો આજે મુશ્કેલ છે.
કોઇની પાસે ભર્યા ભંડાર હોય છે અને ઘરમાં રોજ ભાત ભાતનાં ભોજન રંધાતાં હોય પણ તે કોઇક એવા રોગથી પીડાતો હોય કે સુખે ખાઇ શકે જ નહીં. બીજી બાજુ એવા પણ માણસો જોવા મળે કે જેમને પથ્થર ખાય તો પણ પચી જાય એમ કહી શકાય, પણ તેમને એક ટંકનું ખાવાનું મળ્યા પછી બીજા ટંકનું ખાવાનું મળશે કે નહિ તેની ચિંતા કોરી ખાતી હોય.
કોઇને ઘરે શેર માટીની ખોટ હોય અને તે પૂરવા તેઓ કેટલાક બાધા આખડી રાખ્યા કરતા હોય. તો બીજી બાજુ કોઇને મોં માગ્યા વસ્તાર આવી મળ્યો હોય પણ તેમનાં પેટ કેમ ભરવાં, તેમને ઉછેરવાં કેમ, તે જ તેમના માટે મોટા પ્રશ્ન બની ગયો હોય.
કોઇ શાળામાં જઇને જોઇએ તો એવાં કેટલાંક બાળકો જોવા મળશે કે ભણવાના પાઠ તેઓ સ્હેજમાં સમજી જાય અને એક બે વાર વાંચે ત્યાં બધું યાદ રહી જાય. તો એ જ વર્ગમાં કેટલાંક બાળકો એવાં હોય કે જેમને વિદ્યા કાેઠે ચઢે જ નહીં અને કેટલુંયે વાંચે ત્યારે કંઇક યાદ રહે.
કોઇનામાં જ્ઞાન ઘણું હોય, સારામાં સારું તે લખતો હોય અને બોલતો હોય પણ સમાજમાં તેનું નામ થાય ન‌િહ અને કોઇને સ્હેજમાં કીર્તિ વરે. કોઇ માણસનું વ્યક્તિત્વ એવું હોય કે તે જોતાંની સાથે જ ગમી જાય અને સૌને પ્રિય થઇ પડે અને કેટલુંયે કરે તો પણ લોકોને તે માણસ ગમે જ નહીં.
ઘરમાં અને સમાજમાં કોઇના પડ્યો બોલ ઝિલાય અને સૌ તેણે કહેલી વાત સ્વીકારી લે અને બીજી બાજુ કોઇ સાચી વાત કહેતો હોય પણ લોકો તેને સાંભળે જ નહિ.
એવા પણ માણસો જોવા મળે છે કે તેઓ ધૂળમાં હાથ નાંખે ત્યાં પણ તેમને ધન મળે અને બીજી બાજુ એવા પણ માણસો હોય છે કે જેઓ સવારથી સાંજ સુધી તનતોડ મહેનત કર્યા કરે ત્યોર માંડ ખાવા ભેગા થાય.
જીવનમાં કોઇનાં બધાં કામ સરળતાથી થતાં રહે અને બધું તેને સાહજિક રીતે આવી મળે તો બીજી બાજુ એવા પણ માણસો હોય છે કે જેમનું કોઇ કામ સીધું ઊતરે જ નહિ.
આ બાબતમાં વાનગોંગનો દાખલો જાણવા જેવી છે. દુનિયાના આ શ્રેષ્ઠ ચિત્રકારની તેના જીવતાં ક્યારેય કદર થઇ નહીં અને તેના મર્યા પછી તેનાં ચિત્રોની અભૂતપૂર્વ માગ થવા લાગી. તેનાં ચિત્રો એટલા વખણાયાં કે લોકોએ મોં માંગ્યા દામ આપી તે ચિત્રો ખરીદ્યાં, જ્યારે તેનાં જીવતાં માંડ એકાદું ચિત્ર વેચાયેલું. જીવતાં તેને કોઇએ જાણ્યો નહીં અને મરણ પછી તેની કીર્તિ દુનિયાભરમાં પ્રસરી ગઇ.
આ બધું આપણે દુનિયામાં રોજ જોવા મળે છે. આમાંથી આપણી સાથે પણ આવું કંઇક ઘટિત થયું હશે કે થતું હશે જે આપણે સહી લેવું પડ્યું હશે. તે વખતે આપણાં મનમાં વિદ્રોહનો ભાવ પણ કદાચ થયો હશે. જે માણસોને આ રીતે વેઠવું પડ્યું હોય છે તેમાંથી કેટલાક નિરાશ થઇને જીવન હારી બેઠા હોય છે તો કેટલાક ખોટે માર્ગે ચઢી ગયા હોય છે. જે લોકોને બાળપણથી ધર્મના સંસ્કારો વારસામાં મળ્યા હોય છે તેઓ ઘણી વખત આવી વાતો જીરવી જાય છે તો એમાંથી કેટલાકની ધર્મમાંથી શ્રદ્ધા ઊઠી જાય છે. વાસ્તવિકતામાં માણસના જીવનમાં આવું જે કંઇક ઘટિત થાય છે કે બને છે. તેમાં ભગવાન કોઇ હાથ હોતો નથી. ભગવાનને તો આપણે કરુણાની સાગર માનીએ છીએ. તે કોઇને દુઃખી ન કરે. તે તો સૌના સુખમાં રાજી હોય અને સૌને કલ્યાણનો માર્ગ બતાવે.
નરસિંહ મહેતા, સુદામા વગેરે ભગવાનની ખૂબ જ નજીક હોવા છતાં તેમને પૂર્વ જન્મનાં કર્મોને કારણે આ જન્મમાં ખૂબ જ દુઃખ ભોગવવાં પડયાંં જ ને.•

You might also like