ગિફ્ટમાં આપેલી ‘ચંદ્રની માટી’ છીનવાઈ ન જાય તે માટે કેસ કર્યો

વોશિંગ્ટન: ચંદ્ર પર સૌથી પહેલાં પગ મૂકનાર અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ત્યાંથી લવાયેલી શ્રેષ્ઠ ભેટ ‘ચંદ્રની માટી’ એક મહિલાને આપી હતી. હવે તે મહિલાને આ ભેટ છીનવાઇ જવાનો ડર લાગી રહ્યો છે. કોઇ પણ વ્યકિતની નજર તેની પર પડે તે પહેલાં મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પણ તેના ડરનું કારણ બની છે.

સિનસિનાટીની લોરા સિક્કોએ ફેડરલ કોર્ટમાં નાસા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને કહ્યું છે કે ચંદ્ર પરથી પરત ફરતી વખતે નીલ આર્મસ્ટ્રોંગે એક કાચની શીશીમાં ચંદ્રની માટી ભરી લીધી હતી. તેને ઉપહાર તરીકે પોતાને આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આર્મસ્ટ્રોંગ એ મહિલાના પિતાના મિત્ર હતા.

સિક્કોના પિતા ટોમ મરે અમેરિકી સેનામાં પાઇલટ હતા અને લાંબા સમયથી આર્મસ્ટ્રોંગને ઓળખતા હતા. ૧૯૭૦માં અમેરિકી અંતરિક્ષ યાત્રીએ મરેની પુત્રી લોરાને ચંદ્રની માટી ભરેલી બોટલ ઉપહાર તરીકે આપી હતી અને સાથે પોતાના હાથેથી લખેલી એક ચિઠ્ઠી પણ આપી હતી. ત્યારે લોરા માત્ર દસ વર્ષની હતી. સિક્કોએ અરજીમાં લખ્યું છે કે નાસા પર કેસ આ એજન્સીના ઇતિહાસને જોતાં કરાયો છે.

કેમ કે પહેલાં પણ તે અંતરિક્ષ સાથે જોડાયેલી કોઇ પણ વસ્તુ કોઇની પણ પાસેથી છીનવી લે છે. લોરાના વકીલે કહ્યું કે એવો કોઇ કાયદો નથી જે આ એજન્સીને લોકો પાસેથી અતરિક્ષની વસ્તુઓ છીનવતાં રોકી શકે. વિજ્ઞાનીઓએ એ વાતને સમર્થન આપ્યું છે કે સિક્કો પાસે રહેલી માટી ચંદ્રની સપાટીની હોઇ શકે છે.

You might also like