પત્નીના મૃતદેહને ખભે ઊંચકી ૧૦ કિમી ચાલ્યો ભુવનેશ્વરનો ‘માંઝી’

ભુવનેશ્વરઃ અોરિસાની એક સરકારી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ અને મહાપ્રયાણ ન મળતાં અાદિવાસી સમુદાયના દાના માંઝીઅે પત્નીનો મૃતદેહ નાછૂટકે ખભે ઊંચકીને ૧૦ કિલોમીટર સુધી પગપાળા જવું પડ્યું. અા દરમિયાન તેની ૧૨ વર્ષની દીકરી પણ રડતી-રડતી સાથે ચાલતી હતી. અા ઘટનાનો વીડિયો વાઇરલ થતાં લોકો અાશ્ચર્યચકિત થયા છે.

ઉલ્લેખનીય છે કે અોરિસાની સરકારે ગરીબ લોકોની મદદ માટે અા વર્ષે જ ફેબ્રુઅારી મહિનામાં શબ વાહિની સ્કીમ લોન્ચ કરી હતી, જે હેઠળ સરકારી હોસ્પિટલથી મૃતદેહને ઘરે પહોંચાડવા સુધી ફ્રી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે.
માનવતા પર કલંક સમાન અા ઘટના કાલાહાંડી જિલ્લાની છે. એક લોકલ ટીવી ચેનલે તેનો વીડિયો જાહેર કર્યો હતો. ગરીબ માંઝી પાસે એમ્બ્યુલન્સનું ભાડું અાપવાના પૈસા નહોતા અને હોસ્પિટલ અોથોરિટીઅે મદદનો પણ ઇન્કાર કરી દીધો. માંઝીની ૪૨ વર્ષીય પત્ની અમંગેદેવીનો ટીબીનો ઇલાજ ચાલી રહ્યો હતો. ભવાની પટણાની હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન તેનું મોત થયું.

દાના માંઝીઅે જણાવ્યું કે હોસ્પિટલના અધિકારીઅોઅે કહ્યું, અમારી પાસે કોઈ ગાડી નથી. મેં તેમને અાજીજી કરી કે હું ગરીબ વ્યક્તિ છું. કોઈ ખાનગી વાહન લેવાના મારી પાસે પૈસા નથી. અધિકારીઅોઅે કહ્યું કે તેઅો મને મદદ નહીં કરી શકે. ત્યારબાદ મેં પત્નીના મૃતદેહને કપડામાં લપેટ્યો અને ૬૦ કિલોમીટર દૂર અાવેલા મારા ગામ મેલધારા જવાનો નિર્ણય કર્યો. મારા ખભા પર પત્નીનો મૃતદેહ અને રડતી દીકરીને જોઈને લોકોઅે તેની માહિતી કલેક્ટરને અાપી. ત્યારબાદ મને એમ્બ્યુલન્સ અાપવામાં અાવી.

You might also like