પંચાયતી ફરમાનઃ પતિએ પત્નીને ઝાડ સાથે બાંધી 7 કલાક સુધી ફટકારી

બુલંદશહર, શુક્રવાર
ઉત્તર પ્રદેશના બુલંદશહરના સ્યાના વિસ્તારના ગામ લોંગામાં એક પતિએ પંચાયતના ફરમાન પર પોતાની પત્નીને ઝાડ સાથે બાંધી બેલ્ટ અને દંડાથી જાહેરમાં સાત કલાક સુધી ફટકારી હતી. મહિલા પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે કોઈ યુવાન સાથે ભાગી ગઈ હતી. પંચાયતે તેને સજા સંભળાવ્યા બાદ પત્ની સાથે આવી પાશવી હેવાનિયત આચરી હતી.

આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે કેસ દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ વીડિયોમાં કેટલાય લોકો મહિલાને બેલ્ટ અને દંડાથી માર મારતા જોવા મળે છે, પરંતુ આ મહિલાની મદદે કોઈ આગળ આવ્યું ન હતું. મહિલાના હાથ એક ઝાડ સાથે બાંધેલા છે અને પતિ તેને માર મારતાં બૂમો પાડે છે કે, “અબ ભાગ કે દિખા”.

પોલીસે મહિલાના પતિ, ગામના પૂર્વ સરપંચ અને તેમના પુત્રની ધરપકડ કરી છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી ગામના જ એક યુવાન ધર્મેન્દ્ર લોધી સાથે ચાલી ગઈ હતી. ૧૦ માર્ચના રોજ ગામના કેટલાક લોકો તેને બળજબરીથી પરત લાવ્યા હતા.

એ જ દિવસે ગામના પૂર્વ પ્રધાન સહિત પંચાયતના સભ્યોએ તેને ઝાડ સાથે બાંધીને પતિ પાસે મારપીટ કરાવી હતી. આ મહિલાને સવારે ૭.૦૦ વાગ્યે ઝાડ સાથે બાંધી હતી અને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. છેક બપોરે ૨.૦૦ વાગ્યા સુધી તેને બેલ્ટ અને દંડાથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું.

You might also like