ચર્ચમાં ‘પોકેમોન ગો’ રમવા બદલ પાંચ વર્ષની જેલની સજા!

યેકાતેરિનબર્ગ: પોકેમોન ગો ગેમ લોન્ચ થયા બાદ સતત ચર્ચાઅોમાં રહી છે. હવે એક રશિયન બ્લોગરને ચર્ચમાં પોકેમોન ગો રમતા વીડિયો બનાવવાના કારણે પાંચ વર્ષ માટે જેલમાં જવું પડે તેવી શક્યતા છે.  યેકાતેરિનબર્ગના યુરાલ્સ શહેરમાં રહેતા ૨૧ વર્ષીય રુસલાન પર ધાર્મિક લાગણીઅોને ઠેસ પહોંચાડવાનો અને નફરત ફેલાવવાનો અાક્ષેપ છે. અા અાક્ષેપ એક વીડિયોના અાધારે લગાવાયો છે, જે તેણે ચર્ચમાં પોકેમોન ગો રમતી વખતે રેકોર્ડ કર્યો હતો.

૧૧ અોગસ્ટના રોજ પોસ્ટ કરાયેલા અા વીડિયોને અત્યાર સુધી ૧૦ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અા અંગે રુસલાનનું કહેવું છે કે સ્માર્ટ ફોનની સાથે ચર્ચમાં જવું અપમાન કેવી રીતે હોઈ શકે. રુસલાને કહ્યું કે મેં ચર્ચમાં કેટલાક પોકેમોન પકડવાનું નક્કી કર્યું હતું, કેમ કે મને વિશ્વાસ હતો કે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને કાયદાને અનુરૂપ છે.

રુસલાનને હાલમાં બે મ‌િહના માટે જેલમાં મોકલાયો છે, પરંતુ એવી શક્યતાઅો છે કે તેને પાંચ વર્ષની જેલ થઈ શકે. યુ ટ્યૂબ પર લગભગ ત્રણ લાખ ફોલોઅર્સ રાખનારો રુસલાન અા પહેલાં પણ અા પ્રકારના ઘણા વીડિયો પોસ્ટ કરી ચૂક્યો છે. રુસલાનની ધરપકડ બાદ ટ્વિટર પર કેટલાક લોકો તેના સમર્થનમાં ચળવળ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અા પહેલાં પણ અા પ્રકારના એક અારોપમાં બે છોકરીઅોને ૨૦૧૨માં બે વર્ષ માટે જેલ થઈ હતી.

You might also like