મમતાએ કરી ઉમેદવારોની યાદી જાહેર : ડાલમિયાની પુત્રી અને ફુટબોલર ભૂટિયાને તક

કોલકાતા : ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજકીય ક્ષેત્રે હલચલ થવા લાગી છે. પશ્ચિમ બંગાળ તૃણમુલ કોંગ્રેસનાં અધ્યક્ષા તથા રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીઓ માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે આ વખતે મહિલા ઉમેદવારોની સંખ્યા ગત્ત વિધાનસભા ચૂંટણી કરતા વધારે હશે. સાથે જ મમતાએ જાહેરાત કરી કે તેઓ ચૂંટણીમાં કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહી કરે અને પોતાની તાકાત પર જ ચૂંટણી લડશે.
મમતાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે 2011માં અમે 31 મહિલા સભ્યોને ટીકીટ આપી હતી. આ વખતે અમે 45 મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારીશું. દરમિયાન ટીએમસી અધ્યક્ષે તમામને ચોંકાવતા પ્રખ્યાત ફુટબોલર અને ભારતીય ફુટબોલ ટીમનાં પૂર્વ કેપ્ટન બાઇચુંગ ભુટિયાને સિલિગુડી સીટ પરથી ઉભા રહેવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તથા આઇપીએલમાં રમી ચુકેલા લક્ષ્મી રતન શુક્લાને પણ ચૂંટણીનાં મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. હાવડા નોર્થમાંથી તેને ટીકીટ આપવામાં આવશે. બંગાલ ક્રિકેટ એસોસિએશનનાં અધ્યક્ષ રહી ચુકેલા જગમોહન ડાલમીયાની પુત્રી વૈશાલી ડાલમિયાને બાલીથી ટીકીટ આપવામાં આવી છે.

You might also like