મમતા દીદી દર વર્ષે મને એક બે કુરતાં, બંગાળી મીઠાઈ મોકલાવે છે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષયકુમાર સાથે બિનરાજકીય અને એકદમ હટકે કરેલા સંવાદમાં અનેક રસપ્રદ વાતો જણાવી હતી. પીએમ મોદીએ તેમનાં બાળપણની યાદોથી લઈને ગુસ્સા પર નિયંત્રણ, પારિવારિક સંબંધો અને જિંદગીની ફિલોસોફી પર દિલ ખોલીને વાતો કરી હતી.

મોદીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેમણે રાજનીતિ અને વડા પ્રધાન બનવાનું સપનું ક્યારેય જોયું ન હતું. તેમણે કહ્યું કે, હું એવા પરિવારમાંથી આવું છું કે મને નાની-મોટી નોકરી મળી જાત તો પણ મારી માએ બધાને ગોળ ખવડાવ્યો હોત. મને ક્યારેક આશ્ચર્ય થાય છે કે, દેશે મને આટલો પ્રેમ કઈ રીતે આપ્યો.

અક્ષયકુમારે કહ્યું કે, મેં મારી ડ્રાઈવરની દીકરીને પૂછ્યું હતું કે, વડા પ્રધાનને કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? તો તેણે કહ્યું કે આપણા વડા પ્રધાન કેરી ખાય છે? ખાય છે તો સમારીને ખાય છે કે ગોટલીની સાથે ખાય છે. મોદીએ જવાબ આપ્યો હતો કે, હું કેરી ખાઉં છું અને મને કેરી ખાવી બહુ ગમે છે, ગુજરાતમાં કેરીના રસની પરંપરા પણ છે.

બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષયકુમારે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તે અજાણ્યા અને અપિરિચિત ક્ષેત્રમાં કદમ મૂકવા જઈ રહ્યો છે. આગલા જ દિવસે અક્ષયે તેનો ખુલાસો પણ કરી દીધો હતો. મંગળવારે તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એકદમ હટકે અને બિનરાજકીય વાતચીત કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પર આ મુલાકાતનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અક્ષયકુમારને પોતાની ડ્રેસિંગ સેન્સ અંગે જણાવતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે મને મારી ફેશન માટે પૂછ્યું. આ વાત સાચી છે કે વ્યવસ્થિત રહેવું એ મારી પ્રકૃતિ હતી. કદાચ એક કારણ એ પણ હતું કે ગરીબીના કારણે ક્યારેક ક્યારેક મને નાનપ લાગતી હતી લોકો વચ્ચે. કદાચ બાળપણમાં સાયકોલોજી (મનોવિજ્ઞાન) વાંચ્યું હશે. અમારા ઘરમાં ઈસ્ત્રી તો હતી નહીં તો હું લોટામાં ગરમ કોલસા ભરી લેતો અને તેનાથી કપડાંને પ્રેસ કરતો હતો અને પહેરીને જતો હતો.

અક્ષયકુમારે વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીને તેમની ઊંઘ અંગે પણ પૂછ્યું હતું. અક્ષયે કહ્યું કે, તમે ત્રણ-ચાર કલાક જ ઊંઘો છે. એક શરીરને સાત કલાક ઊંઘ જોઈએ. આ સવાલના જવાબમાં મોદીએ કહ્યું કે, જ્યારે અમેરિકાના પ્રમુખ ઓબામા મને મળ્યા ત્યારે તેમણે પણ મને આ મુદ્દે જ કહ્યું હતું, કેમ કે તે મારા સારા દોસ્ત છે. તેમણે મને કહ્યું હતું કે, મારી વાત માનો છે કે નથી માનતા? ઊંઘ વધારી કે નહીં વધારી?

વડા પ્રધાન મોદીને અક્ષયે પૂછ્યું કે શું એ વાત સાચી છે કે તમે ક્યારેક સંન્યાસી બનવા ઈચ્છતા હતા કે સૈનિક બનવા ઈચ્છતા હતા. તે અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈને સેનાના યુનિફોર્મમાં જતાં જોતો ત્યારે બાળકની જેમ સલામ કરતો હતો. એટલામાં ૧૯૬૨નું યુદ્ધ શરૂ થયું. ત્યારે મનમાં એવું હતું કે, આ દેશ માટે જીવવા-મરવાનો રસ્તો છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, ગુજરાતમાં કોઈ સૈનિક સ્કૂલ છે, જ્યાં પ્રવેશ મળી શકે છે. એ વખતે મને અંગ્રેજી તો આવડતું ન હતું તો હું મારા પડોશમાં રહેતા સ્કૂલના પ્રિન્સિપાલ પાસે ગયો હતો. એ વખતે હું ખુદ જ મનમાં સવાલો પૂછતો અને તેના જવાબ આપતો હતો.

વિપક્ષી પાર્ટી સાથેના સંબંધો અંગે પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીમાં મારા ઘણાં સારા દોસ્તો પણ છે, જેમની સાથે હું ભોજન લઉં છું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા દીદી આજે પણ વર્ષમાં એક-બે કુરતાં ખુદ પસંદ કરીને મને મોકલાવે છે. આ ઉપરાંત તેમને જ્યારે જાણ થઈ કે બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીના મને બંગાળી મીઠાઈ મોકલાવે છે ત્યારથી મમતા દીદીએ પણ મને દર વર્ષે બંગાળી મીઠાઈ મોકલાવનું શરૂ કર્યું છે.

અક્ષયે મોદીને પૂછ્યું હતું કે, તમારું આટલું મોટું ઘર છે તો તમને મન નથી થતું કે તમારી માતા, તમારા ભાઈ તમારી સાથે રહે. મોદીએ જવાબ આપ્યો હતો કે, જો હું પીએમ બન્યા બાદ ઘરની બહાર નીકળ્યો હોત તો કદાચ આવું મન થયું હોત, પણ મેં ખૂબ નાની ઉંમરમાં ઘર છોડ્યું હતું અને ત્યાર બાદ મારી જિંદગી મોહ-માયાથી પર થઈ ગઈ છે. હવે તો મારી મા પણ કહે છે કે, મારી પાછળ સમય કેમ બરબાદ કરે છે, દેશનું કામ કર.

પીએમ મોદી તેમના હાથ પર ઊંધી ઘડિયાળ કેમ પહેરે છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, ”મિટિંગમાં સામેની વ્યક્તિને અપમાન જેવું ન લાગે એટલે હું ઊંધી ઘડિયાળ પહેરું છું.”

અક્ષયે પૂછ્યું હતું કે જો તમને અલ્લાદ્દીનના ચિરાગમાંથી જીન મળે અને ત્રણ ઇચ્છા પૂછે તો તે કઈ હોય? આ સવાલના જવાબમાં મોદીએ કહ્યું હતું, ”મારી પહેલી ઇચ્છા છે કે નવી પેઢીને શીખવવામાં આવે કે અલ્લાદ્દીનના ચિરાગ જેવી કોઈ વસ્તુ નથી અને માણસ ફક્ત મહેનત કરીને જ સફળ થઈ શકે છે.”

મોદીએ કહ્યું હતું કે તેઓ જ્યારે પીએમ બન્યા ત્યારે ગુજરાતના સચિવાલયના ડ્રાઇવર અને પ્યુનની પુત્રીના ઉજ્વળ ભવિષ્ય અને શિક્ષણ માટે તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૨૧ લાખ આપીને આવ્યા હતા. પહેલી વખત ધારાસભ્ય બન્યા ત્યાં સુધી મોદીનું કોઈ બેન્ક એકાઉન્ટ જ નહોતું.

You might also like