કોલકાતામાં મમતા બેનરજીની મહારેલી: એક મંચ પર 25 પક્ષનું શક્તિ પ્રદર્શન

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોની એકતા પ્રદર્શિત કરવા માટે આજે કોલકાતામાં મહારેલી યોજી રહ્યા છે. આ રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બસપા), એનસીપી સહિત ૨૦થી પણ વધુ મોટા પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે. ૧૧ પક્ષોના નેતાઓ કોલકાતા પહોંચી પણ ગયા છે.

મમતા આ રેલીને ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં મૃત્યુનો ઘંટારવ ગણાવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, આ વખતે બાજપ ફક્ત ૧૨૫ સીટની દર સમેટાઈ જશે.

૪૧ વર્ષ બાદ કોલકાતામાં વિપક્ષનો આ પ્રકારનો સૌથી મોટો કુંભમેળો આયોજિત થયો છે. ભાજપે આ મહારેલીને વિપક્ષનો ડર ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૭માં જ્યોતિ બસુએ કોલકાતાથી જ કોંગ્રેસ સામે બ્યૂગલ ફૂંક્યું હતું. કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ વિપક્ષનો મહામંચ તૈયાર થઈ ચૂક્યો છે. મમતા બેનરજીની આગેવાનીમાં આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ મેદાન પર સંયુક્ત વિપક્ષી રેલીના આયોજનથી દેશના રાજકારણમાં નવી હલચલ ઊઠી છે.

પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા, એનસીપી પ્રમુખ શરદ પવાર અને વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ, સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ, લોકતાંત્રિક જનતાદળના નેતા શરદ યાદવ, જેએમએમના પ્રમુખ હેમંત સોરેન, અરુણાચલના પૂર્વ મુખ્યપ્રધાન ગેગોંગ અપાંગ, ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા, રાષ્ટ્રીય લોકદળના નેતા અજિત સિંહ, ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા કોલકાતા પહોંચી પણ ગયા છે.

આ ઉપરાંત કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ પણ ગઈકાલે શુક્રવારે મોડી રાતે કોલકાતા પહોંચી ગયા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે આવે તેવી શક્યતા છે. ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને બસપાના સતીશચંદ્ર મિશ્રા પણ મમતાની મહારેલીમાં સામેલ થવા માટે કોલકાતા પહોંચી ગયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ મહારેલીમાં ભાગ નહીં લે. કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી અને મલ્લિકાર્જુન ખડગે કોલકાતા પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ પત્ર લખીને મમતા બેનરજીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

રાહુલે પત્રમાં લખ્યું છે કે, વિપક્ષ એકજૂટ છે. હું મમતા બેનરજીને વિપક્ષની શક્તિ દેખાડવા માટે સમર્થન આપું છું. અમારું માનવું છે કે, સાચો રાષ્ટ્રવાદ અને વિકાસ જ લોકતંત્ર, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સ્થંભને બચાવી શકે તેમ છે. જેને બરબાદ કરવાની ભરપુર કોશિશ ભાજપ અને મોદી કરી રહ્યા છે.

ભાજપના બળવાખોરો યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા અને અરુણ શૌરી પણ આ રેલીમાં ભાગ લેવા માટે કોલકાતા આવી પહોંચ્યા છે. ઓડિસા અને તેલંગાણામાં સત્તારૂઢ બીજુ જનતાદળ (બીજેડી) અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ મમતા અને વિપક્ષોની આ મહારેલીથી દૂર જ રહેવાનો નિર્ણય કર્યો છે.

You might also like