ચૂંટણી પહેલાં મમતા ‘હિન્દુ કાર્ડ’ રમ્યાં: તમામ દુર્ગા પૂજા પંડાલને રૂ.૧૦ હજાર આપવાની જાહેરાત

કોલકાતા: તુષ્ટીકરણની રાજનીતિના કારણે હંમેશાં વિવાદમાં રહેતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એક મોટી ચૂંટણીલક્ષી જાહેરાત કરીને બધાંને ચોંકાવી દીધાં છે. મમતા બેનરજીએ રાજ્યની ર૮ હજાર દુર્ગા પૂજા કમિટીને રૂ.૧૦-૧૦ હજારનું દાન આપવાની જાહેરાત કરીને આગામી ચૂંટણીમાં ભાજપને તેના જ શસ્ત્રથી હરાવવાની તૈયારી કરી લીધી છે.

આ ઉપરાંત તેમણે પૂજા કમિટીઓ પાસેથી વસૂલાતી ફાયર લાઇસન્સ ફી લેવાની પણ બંધ કરવાની અને વીજળીના દરમાં ખાસ છૂટ આપવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ જનાધારની દિશામાં આગળ વધી રહેલા ભાજપને રોકવા માટે મમતા આ ‘હિન્દુ કાર્ડ’ રમ્યાં હોવાની ચર્ચા છે. તેમનો આ ચૂંટણીલક્ષી દાવ જોઈને ભાજપની છાવણીમાં પણ સન્નાટો ફેલાઈ ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનરજી પર અવારનવાર અલ્પસંખ્યકોને ખુશ કરવા માટે કામ કરતાં હોવાના આરોપ ભાજપ લગાવતો રહ્યો છે. મમતાએ આ એક જાહેરાતથી તેમના પરના તમામ આરોપ ફગાવી દીધા છે અને હિન્દુઓ માટે પણ તેમની સરકાર સંવેદનશીલ છે તેવું સાબિત કરવાની કોશિશ કરી છે. પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં પહેલી વખત દુર્ગા પૂજા કમિટીઓને આ પ્રકારનું દાન કે આર્થિક લાભ આપવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દુર્ગા પૂજા કમિટીઓને સામુદાયિક વિકાસ કાર્યક્રમ માટે રૂ.દસ-દસ હજારની મદદ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ત્રણ હજાર અને આખા રાજ્યમાં લગભગ રપ હજાર એમ કુલ મળીને ર૮ હજાર જેટલી દુર્ગા પૂજા કમિટી છે.

આ રીતે દસ-દસ હજાર રૂપિયાની મદદથી કુલ રૂ.ર૮ કરોડની મદદ દુર્ગા પૂજા કમિટીઓને આપવામાં આવશે એટલું જ નહીં, આ ઉપરાંત પણ કેટલીક રાહત અને મદદ આપવાની જાહેરાત પણ મમતાએ કરી છે.

આ વખતે દુર્ગા પૂજા કમિટીઓ પાસેથી ફાયર લાઇસન્સ ફી લેવામાં નહીં આવે અને તેમના વીજળીબિલમાં પણ મોટી છૂટ આપવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે દુર્ગા પૂજા કમિટીઓને કોલકાતા નગર નિગમ તરફથી આ મદદ આપવામાં આવશે.

કોલકાતામાં દુર્ગા પૂજા આયોજન સમિતિઓના પ્રતિનિધિઓ સાથેની એક બેઠકમાં મમતા બેનરજીએ આ જાહેરાત કરતાં હિન્દુ સમુદાયમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મમતાની આ જાહેરાત આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીનો માસ્ટર સ્ટ્રોક પણ માનવામાં આવે છે.

ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)થી નારાજ થયેલા હિન્દુઓને આકર્ષવા માટે જ મમતાએ આ જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં હંમેશાં દુર્ગા પૂજા દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ બગડે છે અને અવારનવાર કોમી હિંસા પણ જોવા મળે છે. રાજ્ય સરકાર પર હંમેશાં મુસ્લિમોના તુષ્ટીકરણ અને હિન્દુઓની અવગણના કરવાના ગંભીર આરોપ લાગતા રહ્યા છે.

આ વખતે ૧પ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી દુર્ગા પૂજા પર્વની ઉજવણી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં હંમેશાં મહોરમ અને દુર્ગા પૂજા સાથે આવવાથી વિવાદ થતો રહ્યો છે. ગયા વર્ષે દુર્ગા પૂજા મૂર્તિ વિસર્જન અને મહોરમ એક સાથે હતા.

એ વખતે આ વિવાદ કોલકાતા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારબાદ મમતા સરકારની ઘણી ટીકાઓ થઈ હતી. રાજ્ય સરકાર પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક વર્ગને સંતુષ્ટ કરવા માટે તેમણે મૂર્તિ વિસર્જન પર રોક લગાવી હતી.

You might also like