માલ્યાના આરોપો ગંભીર, PM તપાસ કરાવે અને જેટલી રાજીનામું આપે: રાહુલ

નવી દિલ્હી: દેશ છોડીને ભાગતાં પહેલાં નાણાપ્રધાન અરુણ જેટલી સાથે ‘સેટલમેન્ટ’ માટે મુલાકાત કરી હોવાના ભાગેડુ વિજય માલ્યાના નિવેદનથી મોટો વિવાદ શરૂ થયો છે અને હવે આ મુદ્દે રાજનીતિ પણ રમાવા લાગી છે.

માલ્યાના આ દાવા બાદ કોંગ્રેસે સરકાર પર તીખો હુમલો કર્યો છે અને જણાવ્યું છે કે આ આખી વાતની તટસ્થ તપાસ થવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ્યાના વિવાદાસ્પદ નિવેદન બાદ નાણાપ્રધાન અરુણ જેટલીનું રાજીનામું માગ્યું છે.

રાહુલ ગાંધીએ ‌િટ્વટ કરીને જણાવ્યું છે કે વિજય માલ્યા તરફથી લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતની તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. રાહુલે એમ પણ જણાવ્યું હતું કે તપાસ પૂરી થાય ત્યાં સુધી અરુણ જેટલીએ નાણાપ્રધાનપદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે માલ્યા અંગે તમામ વાતોની જાણ હોવા છતાં પણ તેને દેશની બહાર કેમ જવા દેવામાં આવ્યો? કોંગ્રેસ વારંવાર કહેતી આવી છે કે માલ્યા, નીરવ મોદી અને અન્ય લોકોને જાણી જોઈને દેશ બહાર ભાગવાનો મોકો આપવામાં આવ્યો છે. માલ્યાએ જે ગંભીર આરોપો લગાવ્યા છે તે અંગે નાણાપ્રધાને સ્પષ્ટ અને વિસ્તૃત જવાબ આપવો પડશે.

ઉલ્લેખનીય છે કે બુધવારે પ્રત્યર્પણ કેસમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ‘‌લિકર કિંગ’ વિજય માલ્યાએ આ નિવેદન આપીને ભારતીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે તે દેશ છોડીને ભાગતાં પહેલાં નાણાપ્રધાન અરુણ જેટલીને સેટલમેન્ટ માટે મળ્યો હતો, પરંતુ બેન્કોએ તેના સેટલમેન્ટ પ્લાન અંગે અનેક સવાલ ઊભા કર્યા હતા.

નાણાપ્રધાન અરુણ જેટલીએ બ્લોગ લખીને વિજય માલ્યાના આ તમામ આરોપો ફગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે તથ્યાત્મક રૂપથી માલ્યાનું આ નિવેદન સાવ ખોટું છે. ર૦૧૪થી અત્યાર સુધી મેં માલ્યાને મુલાકાત માટે ક્યારેય કોઈ અપોઈન્ટમેન્ટ આપી જ નથી તો તે મને મળ્યા એ વાતનો સવાલ જ ઊભો થતો નથી.

You might also like