મોલ-રેસ્ટોરાં, થિયેટર અને લોકલ માર્કેટ ૩૬૫ દિવસ ખુલ્લાં રહેશે!

નવી દિલ્હી: સરકાર રિટેલ માર્કેટમાં એક મોટા ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. લેબર મિનિસ્ટ્રી સેન્ટ્રલ મોડલ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને લઇને એક ત્રિપક્ષીય ચર્ચા શરૂ કરી શકે છે. આ એક્ટમાં ફેરફાર થવાના કારણે મોલ, રેસ્ટોરાં, લોકલ માર્કેટ અને સિનેમા હોલ ચોવીસ કલાક અને ૩૬૫ દિવસ ખુલ્લાં રહી શકશે.

જાણકારોનું કહેવું છે કે ઓનલાઇન માર્કેટનું રિટેલ બજાર ઉપર જે રીતે વર્ચસ્વ વધી રહ્યું છે તેવા સંજોગોમાં સરકાર દ્વારા આ પ્રકારે ફેરફાર કરવામાં આવે તો ઓફ લાઇન રિટેલ વેપારને ઓન લાઇન રિટેલ વેપાર જેટલી જ બરાબર તક મળશે તથા વેપાર સંબંધી કેટલીક મુશ્કેલીઓ પણ ઘટશે. તેનાથી વેપાર કરવો સરળ રહેશે.

આવતી કાલથી લેબર મિનિસ્ટ્રી ટ્રેડ યુનિયન્સ સહિત અન્ય પ્રતિનિધિઓ સાથે ચર્ચા શરૂ કરશે. લેબર મિનિસ્ટ્રી મોડલ સેન્ટ્રલ કાયદા ઉપર કામ કરી રહી છે.

જે અંતર્ગત પારંપારિક રિટેલ સ્ટોર્સ અને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી મળશે. વર્તમાન કાયદા અંતર્ગત દુકાનોને નક્કી કરેલી સમય મર્યાદામાં બંધ કરવાની હોય છે. એટલું જ નહીં ૨૪ કલાક દુકાન ચાલુ રાખવા સંબંધી કાયદામાં કોઇ પ્રોવિઝન નથી અને તેના કારણે મોલ અને રેસ્ટોરાં સહિત સિનેમા હોલ રાતે બંધ થઇ જાય છે.

દેશમાં રિટેલ ઇન્ડસ્ટ્રીઝ વાર્ષિક ૧૫ ટકાના દરે વધી રહી છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં ૬૦૦ અબજ ડોલરથી વધીને એક લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે.

You might also like