ગેરરીતિ બદલ અમદાવાદના ૩૦ વિદ્યાર્થીઅોનું પરિણામ રદ કરાયું

અમદાવાદ: શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે ગેરરીતિ આચતા ઝડપાયેલા અમદાવાદના ૭૧ વિદ્યાર્થીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ ૭૧ વિદ્યાર્થી સહિત રાજ્યના ૧,૧૯૮ વિદ્યાર્થીનું પરિણામ ગેરરીતિને કારણે અનામત રખાયું હતું. અમદાવાદના ૩૦ વિદ્યાર્થીનું પરિણામ એક વર્ષ માટે રદ કરાયું છે. જ્યારે અન્ય ૪૧ વિદ્યાર્થીના અેક કે બે વિષયનાં પરિણામ રદ થતાં તેમને જુલાઇમાં પૂરક પરીક્ષા આપવાની તક મળશે.

છેલ્લા બે દિવસથી ધોરણ ૧૦ના ૧,૧૯૮ વિદ્યાર્થીનું બોર્ડ સમિતિ સમક્ષ ગાંધીનગર ખાતે હિયરિંગ હાથ ધરાયું છે. જે વિદ્યાર્થીઓનું હિયરિંગ પૂર્ણ થાય ત્યાર બાદ તેની નિયત સજા નક્કી થવાની સાથે જ તેમને પરિણામ આપી દેવામાં આવે છે. ર૧ જૂન સુધી સીસીટીવી ફૂટેજના આધારે ગેરરીતિમાં પકડાયેલા શંકાસ્પદ લાગતા વિદ્યાર્થીઓની સુનાવણી અને સજાની કામગીરી પૂર્ણ કરી દેવાશે. જેથી જુલાઇની પરીક્ષામાં પાત્રતા છે કે કેમ તે વિદ્યાર્થી જાણી શકે.

અમદાવાદ શહેરમાં મોબાઇલ ફોન સાથે ઝડપાયેલા વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરાયું છે. તેને ૦ માર્કશીટ સાથે એક વર્ષ પરીક્ષા નહીં આપવાની સજા કરવામાં આવી છે. જુલાઇ માસની પૂરક પરીક્ષામાં ૬૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ ૧૦ની પરીક્ષા કુલ ૧,૦૮પ લાખ વિદ્યાર્થીએ આપી હતી. વર્ષ ર૦૧૬માં સીસીટીવી ફૂટેજના અનુસંધાને ગેરરીતિના ૧,૦૦૭ કેસ નોંધાયા હતા. જે આ વર્ષે વધીને ૧,૧૯૮ થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હિયરિંગ દરમ્યાન કેટલાક વિદ્યાર્થીએ બોર્ડ કમિટીને બિન્દાસ થઇને જણાવ્યું હતું કે સાહેબ નહોતું આવડતું એટલે તો કાપલીઓ લઇને આવ્યા હતા જે સજા કરવાની હોય તે કરી દો’ અમદાવાદ શહેરના પ૧,૭૭પ અને ગ્રામ્યના ૩૬,૬૧૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ એક વિષયની પરીક્ષા આપવાની હશે તેમણે ૧૦૦ અને બે વિષયની પરીક્ષા આપવાની હશે તેમણે રૂ.૧૪૦ની ફી ભરીને નોંધણી કરાવવાની રહેશે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ પૂરક પરીક્ષા માટે સ્વીકારવામાં આવનારા ફોર્મની મુદત વધારવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીએ ગુણ ચકાસણી માટે અરજી કરી હોય અને તેનો જવાબ મળ્યો ન હોય તેમણે પણ પરીક્ષા આપવાની થતી હોય તો ફોર્મ સમયસર ભરી દેવું પડશે.
http://sambhaavnews.com/

You might also like