ભારતમાંથી મેલેરિયાનું નામોનિશાન નહી રહે, મચ્છરોને બદલાશે DNA

જમશેદપુર: આગામી કેટલાંક વર્ષમાં ભારતમાંથી મેલેરિયાનું નામોનિશાન મટી શકે તેમ છે, જેમાં નવી જિન એડિટિંગ ટેક‌િનકનો ઉપયોગ કરીને મેલેરિયા ફેલાવતા મચ્છરોનો ડીએનએ જ બદલી નાખવામાં આવશે તેવી ટાટા ટ્રસ્ટે આશા વ્યકત કરી છે.

સામાજિક ક્ષેત્રે કાર્યરત ટાટા સમૂહની આ સંસ્થા આવા હેતુથી મોટો પ્રોજેક્ટ શરૂ કરવા આગળ વધી રહી છે. જો પ્રોજેક્ટ સફળ થશે તો મચ્છરજન્ય આ રોગને જડમૂળમાંથી નાબૂદ કરવાનંુ શક્ય બની જશે. ટાટા ટ્રસ્ટ અમેરિકાની કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય સાથે મળી કામ કરી રહ્યું છે અને ત્યાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ જિનેટિક્સ એન્ડ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે ભારતમાં આવી સોસાયટીની સ્થાપના કરવાની બાકી છે.

તેથી આગામી સમયમાં બેંગલુરુમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેમસેલ બાયોલોજી એન્ડ રિજેનરેટિવ મેડિસિન (ઈનસ્ટેમ) પણ સ્થાપિત કરવામાં આવશે. તેના માટે આગામી પાંચ વર્ષમાં સાત કરોડ ડોલર (લગભગ ૪૫૮ કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવશે, જેમાં સંસ્થાના ચેરમેન રતન ટાટા મેનેજિંગ ટ્રસ્ટી આર. વેંકટરામન અને ઈનોવેશન હેડ મનોજ કુમાર સંસ્થાના ટ્રસ્ટી બનશે. આ સંસ્થા આગામી વર્ષે બેંગલુરુમાં શરૂ થશે.

ભારતમાં મચ્છરજન્ય બીમારી સતત વધી રહી છે અને તેના કારણે મેલેરિયા પણ માથું ઊંચકી રહ્યો છે અને હવે તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારી પણ વધી રહી છે. આટલું ઓછું હોય તેમ હવે ઝીકા વાઈરસ પણ દેખાવા લાગ્યો છે અને આવી કેટલીક બીમારીઓ જીવલેણ સાબિત થઈ રહી છે. બીજી તરફ વિશ્વ મેલેરિયાના અહેવાલમાં જણાવાયા અનુસાર મેલેરિયા બાબતે ભારતની ભાગદારી છ ટકા છે. ૨૦૧૬માં દેશમાં મેલેરિયાના લગભગ ૧૦.૬૦ લાખ કેસ બહાર આવ્યા હતા. તેથી દેશના આરોગ્ય મંત્રાલયે ૨૦૩૦ સુધીમાં દેશને મેલેરિયામુક્ત બનાવવા સંકલ્પ લીધો છે ત્યારે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ જિનેટિક્સે શરૂ કરેલા આ પ્રોજેક્ટમાં થનારા અભ્યાસ પરથી મેલેરિયા ફેલાવતા મચ્છરોના ડીએનએ બદલાઈ જશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

You might also like