અરબાઝ-મલાઈકા લઈ શકે છે ડિવોર્સ, ખાન ફેમિલીનું ઘર છોડ્યું

મુંબઈ: લગ્નનાં ૧૭ વર્ષ બાદ અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરા છૂટાછેડા લઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ બંને પોતાની મરજીથી અલગ થઈ રહ્યાં છે. અા પહેલાં પણ બંનેના અલગ થવાના સમાચાર અાવી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મલાઈકા ખાન પરિવાર બાન્દ્રા હાઉસથી હાલમાં જ મૂવ કરી ચૂકી છે. તે ખારના એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ છે. તેની સાથે તેનો ૧૪ વર્ષનો પુત્ર અરહાન પણ છે.

અા એ એપાર્ટમેન્ટ છે, જ્યાં મલાઈકાની બહેન અમૃતા અરોરાના ઈન-લોઝ રહે છે. સૂત્રોની વાત માનીએ તો મલાઈકા એક બ્રિટિશ બિઝનેસમેન સાથે રિલેશન‌િશપમાં છે. મલાઈકાના મેનેજરે જણાવ્યું કે બંને વચ્ચે બધું ઠીક છે. મલાઈકા દુબઈમાં સલમાન-અરબાઝની બહેન અર્પિતા ખાનનો ખોળો ભરવાના પ્રસંગે પણ દેખાઈ ન હતી. મલાઈકા-અરબાઝ એકસાથે પાવર કપલ નામનો શો હોસ્ટ કરી રહ્યાં હતાં. હાલમાં મલાઈકા શોમાં પણ દેખાતી નથી. અરબાઝ એકલો શો હોસ્ટ કરે છે.

સેટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ડિસેમ્બરમાં જ્યારથી શો શરૂ થયો ત્યારથી બંને વ્ય‌િક્ત‌ પોતાના માટે અલગ અલગ રૂમની માગણી કરતા રહ્યા છે. સેટ પર બંને એકબીજા સાથે વધુ વાતચીત પણ કરતાં નથી. બ્રેક પછી પણ બંને પોતપોતાના રૂમમાં રહે છે અને બહુ ઓછો સમય સાથે દેખાય છે.  ઉલ્લેખનીય છે કે અરબાઝ-મલાઈકાએ ડિસેમ્બર-૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું.

મલાઈકા અરબાઝથી ૬ વર્ષ નાની છે. એવું લાગી રહ્યું છે કે બોલિવૂડમાં અત્યારે ડિવોર્સની મૌસમ ચાલી રહી છે. એકાદ અઠવાડિયા પહેલાં જ ૧૫ વર્ષના સુખી દાંપત્યજીવન બાદ અભિનેતા ફરહાન અખ્તર અને અધુનાએ અલગ થવાનું નક્કી કર્યું હતું. ફરહાન પોતાનું ઘર છોડીને બહેન ઝોયાના ઘરમાં શિફ્ટ થઈ ચૂક્યો છે. ખૂબ જ જલદી તે મુંબઈમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ થશે.

You might also like