અર્જુન કપૂર સાથેના સંબંધો નહીં છુપાવે મલાઈકા અરોરા

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘પટાખા’માં મલાઇકા અરોરા એક આઇટમ સોંગ કરતી જોવા મળશે. ‘હેલો હેલો’ નામના જે ગીત પર તે નાચશે તેમાં રેખા ભારદ્વાજે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત ગુલઝારે લખ્યું છે અને સંગીત વિશાલે આપ્યું છે, જ્યારે કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે.

ફિલ્મના નિર્માતા અજય કપૂર કહે છે કે મલાઇકાએ આઇટમ નંબરનું ચલણ શરૂ કર્યું હતું તેથી અમે જ્યારે ‘પટાખા’ માટે આઇટમ નંબર અંગે વિચાર્યું તો અમારા મનમાં સૌથી પહેલો વિચાર મલાઇકાને લેવાનો આવ્યો.

મેં જ્યારે આ ગીત માટે તેનો સંપર્ક કર્યો ત્યારે તે ખૂબ ઉત્સાહિત હતી અને ડાન્સ કરવાની હા કહી દીધી. અમે તેની સાથે કામ કરી ખૂબ ખુશ છીએ. આ ગીત તેના માટે જ તૈયાર કરાયું છે.

અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ ૪૪ વર્ષીય મલાઇકાનું નામ ૩૩ વર્ષીય અર્જુન કપૂર સાથે જોડાતું રહ્યું છે, પરંતુ અત્યાર સુધી બંનેએ પોતાના સંબંધોનો ખૂલીને સ્વીકાર કર્યો નથી. આ વર્ષે ‘લેકમે ફેશન વીક’માં આ બંને એકસાથે સામેલ થયાં હતાં.

આ બંને જે રીતે સાથે બેઠાં હતાં તેના પરથી લાગ્યું કે મલાઇકા અને અર્જુન પોતાના સંબંધોને ખૂબ જલદી ઓફિશિયલ કરી શકે છે. બંને સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે મલાઇકા હવે અર્જુન સાથે પોતાની નિકટતા છુપાવા ઇચ્છતી નથી.

તે અરબાઝ સાથે હતી ત્યારે ખાન પરિવાર ખાસ કરીને સલમાને અસહમતી દર્શાવી હતી, પરંતુ હવે તે અરબાઝ સાથે છૂટાછેડા લઇ ચૂકી છે અને અરબાઝ પણ આગળ વધી ચૂક્યો છે. આવા સંજોગોમાં તે અર્જુન સાથેનો  પોતાનો સંબંધ છુપાવવા ઇચ્છતી નથી.

You might also like