માળામાં ૧૦૮ મણકા શા માટે…?

‘હે માળા, તું સર્વ દેવોને પ્ર‌ીતિ, તેમજ શુભ આપનારી છે; મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર.’
માળા જો સમજપૂર્વક ફેરવવામાં આવે તો તે માનવને ભવાટવીના ફેરામાંથી મુક્ત કરે. માળાના મણકે મણકે અંતઃકરણપૂર્વક ઇશ સ્મરણ કરવું જોઇએ.
મહર્ષિ પતંજલિએ પણ યોગદર્શનમાં કહ્યું છે કે, ‘તજ્જપસ્તદર્થભાવનમ્’ સમજણપૂર્વક થાય તો જ તે સાર્થક જપ ગણાય. રામ, કૃષ્ણ, શિવ જેનો જપ કરીએ તેની તનુમૂર્તિ તેમજ ગુણમૂર્તિ સતત માનસપટ પર સ્થિર રહેવી જોઇએ. ‘મારે પણ તેમના જેવું થવું છે.’ આ ભાવના જપ કરતી વખતે મનમાં રહેવી જોઇએ.
માળામાં રહેલા ૧૦૮ મણકા પણ સૂચક છે. માણસે શ્વાસે શ્વાસે પ્રભુનામ લેવું જોઇએ. માનવ એક દિવસમાં લગભગ ર૧,૬૦૦ શ્વાસ લે છે એવો એક અંદાજ છે. તેમાંથી રાત્રિના અડધા બાદ કરતા બાકી ૧૦,૮૦૦ શ્વાસ રહે. આમ જોતાં માણસે રોજ ૧૦,૮૦૦ વખત ભગવાનનું નામ લેવું જોઇએ. પરંતુ હૃદયપૂર્વક લીધેલું એક નામ ૧૦૦ નામ બરાબર છે. એવું શાસ્ત્ર વચન છે. એ રીતે માનવ ખરા હૃદયથી ૧૦૮ મણકાની એક માળા ફેરવે તો તેણે શ્વાસે શ્વાસે પ્રભુ નામ લીધું એમ ગણી શકાય.
વળી ૧૦૮ની આંકડો ઋગ્વેદના સૂૂક્તોનો પણ દ્યોતક છે. આ વેદ વિચારનો હું ર૭ નક્ષત્રો x ૪ દિશાઓ એટલે કે ૧૦૮ ઠેકાણે પહોંચાડીશ એવી માળા ફેરવનારની આંતરિક ભાવનાનું અહીં દર્શન છે. આ રીતે જે પ્રભુનું નામ લે અને પ્રભુનં કામ કરે તેની માળા ફેરવી સાર્થક ગણાય.
વિશ્વનિયંતા ભગવાને આ માનવદેહ નિર્માણ કર્યો છે; મન, બુદ્ધિ, કર્તૃત્વશક્તિ અને ઇચ્છાશક્તિ પણ તેની જ ભેટ છે. આ દેહ તેણે આપ્યો છે એટલું જ નહીં પણ તેના અણુએ અણુમાં એ વ્યાપ્ત થઇને રહ્યો છે. વળી આ દેહ જન્મ જન્માંતરનાં પુણ્ય સંચયથી માનવને પ્રાપ્ત થયો છે. આવા અમૂલ્ય માનવદેહનો ઉપયોગ કેવળ પશુની માફક ભોગ વિલાસમાં કરી નાખવો એ શાલિગ્રામથી મરી વાટવાં જેવું નિંદ્ય કર્મ છે.
આ દેહનો માલિક ભગવાન છે, ચલાવનાર ભગવાન છે, નિયંતા ભગવાન છે. આપણું શરીર એ ખેતર છે અને ભગવાન એનો માલિક છે. આ ખેતરમાં શું વાવવાનું તે ભગવાન નક્કી કરે છે. આ દેહથી જે કંઇ થાય તે પ્રભુ પ્રિત્યર્થે થવું જોઇએ. માનવી તો તેના હાથમાંનું સાધન માત્ર છે.
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને પણ આ જ ઉપદેશ આપ્યો છે. ‘હે અર્જુન, તું યુદ્ધમાં માત્ર નિમિત્ત બન. પછી તને પાપ લાગશે નહીં.’ જીવનમાં પણ માનવે આવા જ ભાવથી જીવવું જોઇએ. આ દેહ ભગવાનનો છે અને આ દેહથી કંઇ પણ કૃતિ થશે તો તે ભગવદ્ પ્રિત્યર્થે થશે. આવા ભાવપૂર્ણ અંતઃકરણથી ભગવાનના નામે પહેરાતી માળા જ કંઠીના રૂપમાં પરિણમી.
આપણે ત્યાં પ્રણાલિકા છે ઃ બ્રાહ્મણને દક્ષિણા આપવાની હોય ત્યારે તેના પર તુલસીપત્ર મૂકીને ‘ઇદં ન મમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ।’ આ મારું નથી, કહીને કૃષ્ણાર્પણ કરીએ છીએ.’ ભગવાનને ધરવાના ‘ભોગ’માં અને ‘જળ’માં પણ તુલસી દળ મૂકી ભગવાનને ધરીએ છીએ. ભગવાન આ મારું નથી, તારું છે, તને અર્પણ કરેલું છે અને ત્યાર પછી ભગવાનને અર્પણ થયેલું આપણે પ્રસાદ તરીકે સ્વીકાર કરીએ છીએ.
તે જ રીતે આ દેહ મારો નથી પણ ભગવાનનો છે. ભગવદ્ અર્પિત છે તેના પ્રતીક તરીકે આ દેહ ઉપર તુલસીપત્ર મૂકવું જોઇએ. પરંતુ તુલસીદળ એમને એમ મૂકે તો રહે નહીં, તેથી તેને દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લેવાનું. તેમ કરવું પણ અનુકૂળ નથી કારણ કે તુલસી તો સુકાઇ જાય, તેથી તેના મણકાં બનાવી દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લીધા અને તે એટલે તુલસીની કંઠી.
તુલસીની કંઠી એ ભગવદ્ ભક્તિનું, ભગવાન સમર્પિત દેહનું સર્વોચ્ચ પ્રતીક છે. સવારના ઊંઠતા વેંત તેનું દર્શન કરવાનું હોય છે. શા માટે ? એ કંઠી યાદ અપાવે છે કે, આ દેહ તારો નથી, આ દેહ ઉપર તુલસીની કંઠી છે તેથી તે ભગવદ્ અર્પિત થયો છે. તેથી આખા દિવસ દરમિયાન જે પણ કંઇ તારાથી થાય તે ભગવદ્દ પ્રીત્યર્થે કરજે.’ અને આ ભાવ યાદ રહે એટલા માટે સવારે ઊઠીને કંઠીનાં દર્શન કરવાનાં.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ
http://sambhaavnews.com/

You might also like