રાજકોટ જેલમાં કેદીઓ પગારબિલ બનાવે છે!

કોઈ પણ ગુનાના કેદીઓ જ્યારે જેલમાંથી છૂટે ત્યારે તેમની માનસિકતામાં પરિવર્તન આવે અને તેઓ સ્વનિર્ભર બને તે માટે રાજ્યની જેલોમાં કેદી સુધારણાના અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. કેદીઓમાં રહેલી શક્તિઓનો હકારાત્મક ઉપયોગ કરવા માટે જેલતંત્ર પણ અનેક પ્રયોગો કરે છે. રાજકોટ જિલ્લા જેલમાં આવી જ એક નવી વાત સામે આવી છે. આ જેલમાં રહેલા કેટલાક કેદીઓ કમ્પ્યુટર વર્ક સારી રીતે કરી શકે તેવા હોઈ આ કેદીઓ પર વિશ્વાસ મૂકીને જેલ અધિકારીઓએ તેમને કેટલાંક મહત્ત્વનાં કામ સોંપ્યાં છે. સ્ટાફનાં પગારબિલ બનાવવાં, કોર્ટને લગતાં પેપરવર્ક કરવા જેવાં કામ હવે કેદીઓ કરી રહ્યા છે.

આ અંગે રાજકોટ જિલ્લા જેલના જેલર અરુણકુમાર વ્યાસ કહે છે, “જેલમાં આશરે ૧પ૦૦ જેટલા કેદીઓ છે, જેમાંથી ૧૦૦ જેટલા કેદીઓએ કમ્પ્યુટર શીખવાની ઈચ્છા જેલ અધિકારી સમક્ષ વ્યક્ત કરી હતી. આથી સામાજિક સંસ્થાઓને કમ્પ્યુટર આપવા અપીલ કરી હતી, જેને પગલે રાજકોટની વીવીપી કૉલેજે જેલતંત્રને પાંચ કમ્પ્યુટર આપ્યાં હતાં. હવે કમ્પ્યુટર શીખીને કેટલાક કેદીઓ ઓફિસના વહીવટી કામમાં કમ્પ્યુટર વર્ક કરી મદદ કરે છે.

જેલમાં આશરે ર૦૦ વ્યક્તિનો સ્ટાફ છે એટલે કેટલાક કેદીઓ સ્ટાફનાં પગારબિલ બનાવે છે, તો કેટલાક કોર્ટને લગતાં પેપરવર્ક કરે છે. કેદીઓએ તૈયાર કરેલી કામગીરી ઓફિસના સિનિયર અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવે છે. મહત્ત્વની બાબત એ છે કે કેદીઓની આવડત પર ભરોસો મુકીને તેમની માનસિકતા બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”

You might also like