મેક ઈન ઈન્ડિયામાં આગઃ લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ

તાજેતરમાં મુંબઇમાં ગીરગામ ચોપાટી ખાતે મેક ઇન ઇન્ડિયા વીક દરમિયાન યોજાયેલ મેક ઇન મહારાષ્ટ્ર ઇવેન્ટમાં ભીષણ આગ લાગતાં સમગ્ર સ્ટેજ બળીને ખાક થઇ ગયું હતું. આ ઘટનાએ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. આ દુર્ઘટના કયારે ઘટી હતી જ્યારે મહારાષ્ટ્ર રજની પ્રોગ્રામ રજૂ કરવામાં આવી રહ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સમગ્ર મંચ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયો હતો. આ કાર્યક્રમમાં આગ લાગી ત્યારે મંચ પર મુખ્યપ્રધાન ફડનવીસ, મહારાષ્ટ્રના ગવર્નર સી. વિદ્યાસાગર રાવ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, આમીરખાન અને હેમામાલિની સહિતની ખ્યાતનામ હસ્તીઓ હાજર હતી એટલું જ નહીં આ કાર્યક્રમમાં ર૦થી રપ,૦૦૦ લોકો હાજર હતા.

સદ્નસીબે સમય સૂચકતાથી બધાને સુર‌િક્ષત બહાર કાઢવામાં આવતાં એક ભયાનક દુર્ઘટના નિવારી શકાઇ હતી પરંતુ આ ઘટનાએ સરકારી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને અક્ષમ્ય નિષ્કાળજી જાહેર કરી દીધી છે. આ આગ એટલી ભયાનક હતી કે સમગ્ર વિસ્તાર તેની લપેટમાં આવી ગયો હતો જો અમિતાભ બચ્ચન સ્ટેજ પર થોડી વાર પણ રોકાયા હોય તો તેઓ જીવતા સળગી ગયા હોત. આગની ઘટનાના થોડા સમય પહેલા જ અમિતાભે સ્ટેજ પર કાર્યક્રમ આપ્યો હતો. એ જ રીતે આમિરખાને પણ કહ્યું હતું કે બધું મારી નજર સામે સળગી ગયું. આિમરખાન પોતાની મેક અપ વાનમાં રાહ જોઈ રહ્યા હતા. એક કલાક બાદ તેમનું પર્ફોર્મન્સ હતું.

એ જ રીતે આગ લાગ્યાના પાંચ મિનિટ પહેલાં અમિતાભ બચ્ચને પર્ફોર્મન્સ આપ્યું હતું. આગની ઘટના બાદ અમિતાભ ટ્વિટર પર લખ્યું હતું કે આગ લાગતાં પહેલાં હું સ્ટેજ પર જ હતો, પ્રોડ્યુસર મને ફરીથી સ્ટેજ પર જવાનું કહી રહ્યા હતા. જો હું ફરીથી સ્ટજ પર ગયો હોત તો હું સળગી ગયો હોત. આગ લાગી ત્યારે સ્ટેજ પર નટરંગનું ‘મલા જાઉ દ્યાના ધરી’ ગીત પર લાવણી નૃત્ય ચાલી રહ્યું હતું.

આગનું કારણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે આગને નજરે જોનારા લોકો આગ ફટાકડાના કારણે લાગી હોવાનું કહી રહ્યા છે. મુખ્યપ્રધાને આ ઘટનામાં તપાસના આદેશ કર્યા છે. અહેવાલો અનુસાર આગ લાગી ત્યારે ૨૨થી ૨૫,૦૦૦ લોકો હાજર હતા. જે સ્ટેજ પર આગ લાગી તેને આર્ટ ડાયરેક્ટર અને પ્રોડકશન ડિઝાઈનર નીતિન ચંદ્રકાંત દેસાઈએ ડિઝાઈન કર્યો હતો. આ ઈવેન્ટને વિઝ ક્રાફ્ટ મેનેજ કરી રહ્યો છે. જેને રાજ્ય સરકારે ચાર કરોડ રૂપિયા આપ્યા હતા.

આગની જેવી ખબર પડી કે સમયસૂચકતા વાપરીને ઓર્ગેનાઇઝરે સ્ટેજ પરથી કૂદીને મ્યુઝિક બંધ કર્યું હતું. થોડી વારમાં દોડાદોડી શરૂ થઇ ગઇ હતી અને બધે જ ગભરાટ ફેલાઇ ગયો હતો. આ બાબતે વાતચીત કરતાં અભિનેતા વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે આગ અચાનક ફાટી નીકળી હતી. આયોજકોએ આગ બુઝાવવા માટે ત્યાં રાખવામાં આવેલા ફાયર એકસ્ટિંગ્વિશરોનો ઉપયોગ કર્યો હતો. ત્યાં હાજર રહેલા બાળકો પોતાના મોબાઇલથી ફોટા પાડી રહ્યા હતા. અમને સ્ટેજની પાછળ રાખવામાં આવેલા બેરિકેટને તોડીને કલાકારોને જવા માટે રસ્તો કરી આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના સ્ટેજ આર્ટ ડિરેકટર નીતીન દેસાઇએ જણાવ્યું હતું કે મારી ૩ર વર્ષની કારકિર્દીમાં આ પ્રથમ ઘટના છે. આ દુઃખો ઘટના અચાનક બની છે અને તે રહસ્યમય પણ છે અને તેથી તેથી તપાસ થવી જોઇએ. સ્ટેજના બાંધકામમાં કોઇ એવા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો કે જેનાથી આગ ફાટી નીકળે. જોકે કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે આ મંચના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવેલ થર્મોકોલ મટીરિયલને કારણે આગ ફાટી નીકળી હતી. જયારે કેટલાક લોકોનું માનવું છે કે આગ માટે શોર્ટસર્કિટ જવાબદાર છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ફટાકડાના કારણે આગ લાગી હતી. આમ આગના સાચાં કારણ અંગે લોકો પોતપોતાની રીતે હવામાં ગોળીબાર કરી રહ્યા છે. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ફડનવીસે આગની ઘટનામાં તપાસ કરવાના આદેશ જારી કરી દીધા છે. આપણે આશા રાખીએ કે સત્ય બહાર આવે અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આગ લાગવાની ઘટના આવા કાર્યક્રમમાં ઘટી એ જ દર્શાવે છે કે કયાંક કોઇક સ્તરે અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી હોવી જોઇએ.

You might also like