ઠંડી ઘટીઃ ઉત્તરાયણમાં બે દિવસ ઠુમકા નહીં મારવા પડે

અમદાવાદ: રાજ્યમાં બે દિવસ કડકડતી ઠંડીનો માહોલ રહેતાં લોકો રીતસર ધ્રુજી ઊઠ્યા હતા, જોકે આજે ગુજરાતભરમાં ઠંડીના પ્રકોપમાં આંશિક ઘટાડો થયો છે. હવામાન કચેરીએ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં જ કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરતાં પ્રજાને હાશકારો થયો છે.

સ્થાનિક હવામાન વિભાગની કચેરીના નિયામક જયંત સરકાર કહે છે કે આવતી કાલના ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ઉત્તર-પૂર્વ દિશાના અને પ્રતિકલાક ૧પ થી ર૦ કિ.મી.ની ગતિ ધરાવતા પવન ફુંકાશે. વાસી ઉત્તરાયણે પણ પવનની ગતિ અને દિશા મહદંશે જળવાઇ રહેશે.

અમદાવાદમાં આજે ઉત્તરથી પૂર્વ દિશા ધરાવતા આશરે ૧૦ કિ.મી. ઝડપના પવન ફુંકાયા હતા, જોકે ગઇ કાલની સરખામણીમાં અમદાવાદીઓએ આજે ઠંડીમાં રાહત અનુભવી હતી. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૧.૧ ડિગ્રી સ‌ેલ્સિયસ નોંધાયું હતું, જોકે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું.

કચ્છના નલિયામાં પણ ઠંડીનો પારો ૬.૮ ડિગ્રીએ જઇને અટકતાં નલિયાવાસીઓએ અંગને ધ્રુજાવતી ઠંડીમાં ગઇ કાલની તુલનામાં થોડીક હળવાશ અનુભવી હતી, જોકે આજે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું. ગુજરાતનાં અન્ય પ્રમુખ શહેરની ઠંડી તપાસતાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૮.૦, અમરેલી ૮.૦, વડોદરા ૬.પ, ડીસા ૭.૦, વેરાવળ ૧ર.૦, દ્વારકા ૧૪.૪, ઓખા ૧૭.૦, ભૂજ ૧૦.ર, સુુરેન્દ્રનગર ૧૦.૯, કંડલા ૭.પ, કચ્છ-મહુવા ૧૦.૯, સુરત ૧ર.૬, રાજકોટ ૧ર.૧, ભાવનગર ૧પ.૪, પોરબંદર ૧૩.૦, વલસાડ ૯.૩, વલ્લભવિદ્યાનગર ૧૧.૦ અને કચ્છ-માંડવીમાં ૮.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન સ્થાનિક હવામાન કચેરીએ આગામી ૧ર કલાક રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરી છે.
http://sambhaavnews.com/

You might also like