બહુમતિના શાસન કરતાં સર્વસંમતિનું વધુ મહત્વઃ મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બંધારણ અંગેની બે-દિવસીય ચર્ચા દરમિયાન આજે લોકસભામાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આપણી લોકશાહીને મજબૂત કરવા માટે લોકો આપણા દેશના બંધારણનાં પાસાંઓ વિશે જાણકારી મેળવે એ મહત્વનું છે. દેશની સમગ્ર વિવિધતાને એકસૂત્રે બાંધી રાખવા અને આગળ વધારવાની બંધારણમાં શક્તિ છે.

વડાપ્રધાન જણાવ્યું હતું કે તેમની સરકાર માટે ‘ભારત પ્રથમ’એ એક માત્ર ધર્મ અને બંધારણ એ એક માત્ર ‘પવિત્ર ગ્રંથ’ છે. સમાજના તમામ વર્ગો અને તમામ ધર્મ માટે કામ કરવા સરકાર પ્રતિબધ્ધ છે. વડાપ્રધાને જણાવ્યું હતું તેમની સરકાર બહુમતીના શાસન કરતાં સર્વસંમતીને વધુ મહત્વ આપે છે.

મોદીએ કહ્યું કે, ભારત જેવડા વિશાળ દેશનું બંધારણ બનાવવું એ બહુ મોટું કાર્ય છે અને ડો. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકાને આપણે ક્યારેય નકારી નહીં શકીએ. પીએમ મોદીએ સંસદને કહ્યું કે, આ દેશને સૌએ બનાવ્યો છે, આટલા ઉચ્ચ કક્ષાના બંધારણની તમે જેટલી પ્રશંસા કરો તેટલી ઓછી છે. ડિગ્નિટિ ફોર ઇન્ડિયા, યુનિટિ ફોર ઇન્ડિયાએ ભારતના બંધારણનો હાર્દ છે. બંધારણ અંગે સમગ્ર દેશમાં ઓનલાઇન સ્પર્ધા થવી જોઇએ. દરેક પેઢીએ બંધારણને સમજવું જોઇએ.

You might also like