ખાખી વરદીનો વિવાદઃ પોલીસે મહેશ શાહનું નિવેદન નોંધ્યું

અમદાવાદ: રૂ.૧૩,૮૬૦ કરોડનું કાળું નાણું જાહેર કરનાર કૌભાંડી મહેશ શાહને ખાખી વરદી પહેરાવવાના મામલે ડીસીપી ઝોન-૭ દ્વારા તપાસના આદેશ અપાયા છે, જે મામલે આજે સવારે એન ડિવિઝન એસીપીના કર્મચારીઓ મહેશ શાહનું નિવેદન નોંધવા જોધપુર ચાર રસ્તા સ્થિત તેના ઘરે પહોંચ્યા હતા. મહેશ શાહે તેના નિવેદનમાં નોંધ્યું હતું કે પોતે કોઇ પણ પોલીસ કર્મચારીનું નામ જાણતા નથી, તે સમયે હાજર ચારથી પાંચ પોલીસ કર્મચારીઓએ તેઓને વરદી પહેરાવી હતી.

પોલીસ એકાદ કલાકમાં નિવેદન લઇ અને પૂછપરછ કરી પરત ફરી હતી. ગઇ કાલે પોલીસે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.યુ.મશીનું નિવેદન નોંધ્યું હતું, તેમાં વરદી પહેરાવવાનો નિર્ણય તેઓનાે પોતાનો હોવાનું જણાવ્યું હતું. વરદી પણ તેઓના પોલીસ સ્ટેશનના જ એક કોન્સ્ટેબલની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મામલે એન ડિવિઝન કલ્પેશ ચાવડાને તપાસ સોંપાઇ છે. ઇન્ચાર્જ એસીપી જે.ડી.જાડેજા દ્વારા નિવેદન ગઇ કાલે નોંધાયું હતું.

આ મામલે વરદી પહેરાવવાના સમયે જે પણ વ્યક્તિઓ હાજર હતી તેઓનાં પણ નિવેદન નોંધાશે. પી.આઇ. મશી દ્વારા આ રીતે વરદી પહેરાવવા મામલે ભારે વિવાદ ઊભો થયો છે ત્યારે પોલીસ અધિકારીઓ કંઇ પણ કહેવા તૈયાર નથી. પોલીસ વરદી જે કોન્સ્ટેબલની હતી તેનું પણ નિવેદન પોલીસ નોંધશે. આજે સવારે પોલીસ મહેશ શાહના ઘરે પહોંચી હતી. જ્યાં મહેશ શાહનું પોલીસ નિવેદન નોંધીને પરત ફરી હતી.

મહેશ શાહે વર્ષ ર૦૦૩-૦૪માં પણ આવકવેરા વિભાગની કોણીએ ગોળ ચોંટાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ર૦૦૩-૦૪માં મહેશે સ્વૈચ્છિક રીતે રૂ.૮૦૦ કરોડની એડ્વાન્સ ટેક્સ ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ પાછળથી તે વાયદાથી ફરી ગયો હતો. રૂ.૧૩૮૬૦ કરોડના કાળાં નાણાંની જાહેરાત બાદ પ્રથમ હપ્તો ચૂકવવાનું કહી અને ફરી જતાં ફરી આવકવેરા વિભાગની કોણીએ ગોળ ચોંટાડી દેવાયો હોય અને આવકવેરા વિભાગ ન કહેવાની સ્થિતિમાં મુકાઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like