સીઅે સામે કાગળ પર ગણતરી કરી મહેશ શાહે અાંકડો જાહેર કર્યો હતો!

અમદાવાદ: રૂ.૧૩,૮૬૦ કરોડનું કાળું નાણું જાહેર કરી દેશભરમાં ચકચાર મચાવનાર મહેશ શાહને અાજે સવારે ૧૧.૩૦ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જોધપુર ખાતેના તેમના મંગલ જ્યોત એપાર્ટમેન્ટના ઘરેથી નવરંગપુરા ઇન્ક્મટેક્સ અોફિસ ખાતે પૂછપરછ માટે લઈ જવાયા હતા જ્યાં ચીફ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઅો દ્વારા તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરાઈ હતી. મહેશ શાહ રૂપિયાની બાબતે ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે. માત્ર ધો.૧૦ પાસ મહેશ શાહ રૂપિયાના વ્યવહારમાં સહેજ પણ બાંધછોડ કરતા ન હતા. ૩૦ સપ્ટેમ્બરના રોજ જ્યારે તેઓને કાળું નાણું જાહેર કરવાનું હતું ત્યારે તેઓ તેમના સીએ તહેમુલ શેઠના પાસે ગયા હતા. શેઠનાએ જ્યારે કેટલું કાળું નાણું જાહેર કરવાનું છે તે બાબતે પૂછતાં તેઓએ રૂ.૧૩,૮૬૦ કરોડ રૂપિયાનો આંકડો જણાવ્યો હતો.આ ૧૩,૮૬૦નો આંકડો મહેશ શાહે સીએની ઓફિસમાં જ બેસીને નક્કી કર્યો હતો.

દરમિયાનમાં મહેશ શાહની સુરક્ષામાં પોલીસે વધારો કર્યો હતો. મહેશ શાહની સાથે તેમજ તેના ઘરે કુલ ૧૭ જેટલા અેસઅારપીના જવાનો અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત હાલ ફાળવવામાં અાવ્યો છે. અાજે સવારે ૧૧.૩૦ વાગ્યા બાદ અાઈટી અોફિસમાં મહેશ શાહની પૂછપરછ કરવામાં અાવી હતી જેમાં અનેક ખુલાસા મહેશ શાહ કરે તેવી શક્યતાઅો જણાઈ રહી છે. સીઅેની અોફિસમાં જ બેસીને એક કાગળમાં મહેશ શાહે રૂપિયાની ગણતરી કરી હતી. કેટલા + અને – થશે તેની પાકા પાયે ગણતરી કરી કુલ રૂ.૧૩૮૬૦ કરોડ હોવાનું જાહેર કર્યું હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકોના કાળાં નાણાંને સફેદ કરવા માટે રૂપિયાને જાહેર કરવા બદલ તેઓને ૧પ૦ થી ૪૦૦ કરોડ રૂપિયા મળવાના હોવાનું જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. વર્તુળોમાં ચર્ચા છે કે રૂ.૧૩૮૬૦ કરોડ જાહેર થયા, તેમાં રૂ.૬ર૩૦ કરોડ જેટલો ટેક્સ સરકારમાં ભરવાનો હતો. બાદમાં જે રૂપિયા વ્હાઇટ થાય તેમાંથી તેઓને ૧પ૦થી ૪૦૦ કરોડ વચ્ચેની રકમ મળી શકે તેમ હતી.
જાણકાર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે મહેશ શાહ જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ મોટા ભાગે ગુજરાતની બહાર કામકાજ કરતા હતા. મુંબઇ, બેંગ્લોર, કર્ણાટક શહેરમાં જમીનોનું કામકાજ કરતા હતા. મહેશ શાહ મુંબઇમાં વધુ રહેતા હતા. અમદાવાદ, મુંબઇ તેઓ બાય પ્લેન જતા હતા. તેઓની પાસે ચોપડી જ્ઞાન કરતાં દુનિયાદારીનું જ્ઞાન વધુ હોવાનું જાણવા મળ્યું છે. પૈસાની બાબતમાં તેઓ પાકા હિસાબ રાખતા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેશ શાહ પોતાના ધંધા અને કામકાજ વિશે પરિવાર સાથે કોઇ ચર્ચા કરતા ન હતા. હાઇપ્રોફાઇલ લોકો મોટા જમીન દલાલો, વેપારીઓ સાથે મહેશ શાહની ઊઠક-બેઠક હતી અને માત્ર ફાઇવસ્ટાર હોટલોમાં તેઓ મીટીંગ કરતા હતા. મહેશ શાહના વિરુદ્ધમાં જમીનના કેસો પણ અનેક જગ્યાએ થયા છે અને અનેક કેસો પણ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મહેશ શાહને એક જૈન મુ‌િન સાથે સારા સંબંધો હતા. જૈન મુ‌િન સહિત અનેક ભક્તોના મોબાઇલ નંબર અને નામ મહેશ શાહના મોબાઇલમાંથી મળ્યા હતા. અમદાવાદ આવી મિડિયા સમક્ષ હાજર થતાં પહેલાં મહેશ શાહે ફોનમાંથી અનેક ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. જૈન મુનિ સાથે અંગત સંબંધ હોઇ જૈન મુ‌િનના કોન્ટેક્ટમાં રહેલા અને કરોડોનું કાળું નાણું ધરાવતા લોકોએ મહેશ શાહના નામે કાળાને સફેદ કરવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મહેશ શાહને જમીનનો વ્યવસાય હોઇ હાઇપ્રોફાઇલ અને રાજકારણીઓ સાથે પણ સંબંધ હતા અને તેથી જ તેઓના કાળા નાણાં સફેદ કરાવવા આટલી મોટી રકમ તેઓએ જાહેર કરી હતી. શનિવારે રાત્રે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મહેશ શાહની પૂછપરછ બાદ રવિવારે સવારે તેઓને પોલીસ પ્રોટેક્શન સાથે મુક્ત કર્યા હતા.

home

You might also like