આલિયા ભટ્ટને મારી નાખવાની ધમકી, મહેશ ભટ્ટ પાસે માંગ્યા 50 લાખ

મુંબઇઃ ફિલ્મમેકર મહેશ ભટ્ટને કોઇ અજ્ઞાત વ્યક્તિ દ્વારા અલિયા ભટ્ટને મારી નાખવાની ધમકી મળી છે. તે વ્યક્તિએ મહેશ ભટ્ટ પાસે 50 લાખ રૂપિયા માંગ્યા છે અને પૈસા ન આપવા પર મહેશ ભટ્ટની પત્ની સોની રાજદાન અને પુત્રી આલિયા ભટ્ટને જીવથી મારી નાખવાની ધમકી આપી છે. બુધવારે રાત્રે પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. સાથે જ મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કર્યું છે.

આ કેસ મુંબઇ પોલીસની એન્ટી એક્સટોર્શન સેલને ટ્રાંસફર કરવામાં આવ્યો છે. મુંબઇ પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એક વ્યક્તિ પોતાને કોઇ ગેંગનો લીડર જણાવી રહ્યો છે. શરૂઆતમાં તો મહેશ ભટ્ટે આ બાબતે મજાક ગણી હતી, પરંતુ બાદમાં તે વ્યક્તિએ મહેશ ભટ્ટને વોટ્સએપ પર ધમકી ભરેલા મેસેજ આપ્યા હતા અને કહ્યું હતું કે તે આ ધમકીને હળવાશથી ન લે.

તે વ્યક્તિએ મહેશ ભટ્ટને ધમકી આપી છે કે જો તે તેને પૈસા નહીં આપે તો તે તેની પુત્રી અને પત્ની પર ફાયરિંગ કરશે. મહેશ ભટ્ટને લખનઉની કોઇ બેંકમાં પૈસા જમા કરાવવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઘટના 26 જાન્યુઆરીની છે. પોલીસે સેક્શન 387 અંતર્ગત કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like