માત્ર IPLની કમાણીથી અબજોપતિ બની ગયા આ ભારતીય ખેલાડીઓ

જો તમે વિચારી રહ્યા છો કે IPLમાં સૌથી વધારે કમાણી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની છે તો તમે ખોટું વિચારી રહ્યા છો કેમકે માત્ર મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જ 2 એવા ક્રિકેટર્સ છે જે હજુ સુધી આ T-20 લીગમાં કમાણીના મામલામાં એક અબજનો આંકડો પાર કરી ચૂક્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું IPLમાં કુલ વેતન 107.84 કરોડ રૂપિયા છે અને તેઓ કમાણીના મામલામાં શીર્ષ સ્થાન પર છે.

મહેન્દ્ર સિંહ ધોની પછી મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે જેણે IPLમાં હજુ સુધી 101.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રોફેશનલ ખેલાડીઓના પગારની ડિજિટલ ગણતરી કરતા ‘મનીબોલ’ પાસેથી આ ગણતરી કરવામાં આવી છે, જેનો રિપોર્ટ ઇન્ડિયાસ્પોર્ટ્સ.સીઓએ જાહેર કર્યો છે.

2008માં IPLની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતો કોહલી કમાણીના આ રેન્કિંગમાં ગૌતમ ગંભીર (94.62 કરોડ રૂપિયા) બાદ ચોથા ક્રમે છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન IPL માંથી અત્યાર સુધીમાં 92.20 કરોડ રૂપિયા કમાયો છે. ત્યાર બાદ યુવરાજ સિંહ (83.60 કરોડ રૂપિયા) અને સુરેશ રૈના (74.74 કરોડ રૂપિયા)નો નંબર આવે છે.

IPLની 11 વર્ષોમાં ખેલાડીઓના વેતન પર ફ્રેન્ચાઇઝી ટીમએ 4284 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. આ દરમિયાન કુલ 694 કિક્રેટર્સને સાઇન કરવામાં આવ્યા છે. તેમાંથી 426 ભારતીય ક્રિકેટર છે, જેમણે લગભગ 23.54 અબજ રૂપિયાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે, જે IPLમાં ખેલાડીઓના કુલ વેતનના લગભગ 55% છે.

વિદેશી ખિલાડીઓની વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકાના એબી ડિ વિલિયર્સ સર્વાધિક 69.51 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્લેયર છે. જે પછી ઑસ્ટ્રલિયાના શેન વૉટસન (69.13 કરોડ રૂપિયા) નો નંબર આવે છે. આમ તો અત્યાર સુધી કુલ 268 વિદેશી ખેલાડીઓ IPL સાથે જોડાયેલા છે અને તેમને કોન્ટ્રેક્ટ તરીકે લગભગ 19.30 અબજ રૂપિયા મળ્યા હતા.

ભારત બાદ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર્સે આ લીગમાંથી સૌથી વધુ કમાણી કરી છે. તેના ખેલાડી અત્યાર સુધીમાં 653.8 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યા છે. આઈપીએલની 11મી સિઝન સાત એપ્રિલથી શરૂ થઈ રહી છે, જેમાં પહેલી મેચ ધોનીની ટીમ ચેન્નઈ અને રોહિતની કેપ્ટનશિપ હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચે થશે.

You might also like