અત્ર-તત્ર-સર્વત્ર ધન ધનાધન ધોની! મહેન્દ્ર ‘બાહુબલિ’નો World Record

બેંગલુરુઃ મહેન્દ્રસિંહ ધોની ફરી એક વારા પોતાના જૂના અંદાજમાં આવી ગયો છે. આઇપીએલ ૨૦૧૮માં ધોનીનું બેટ રનનો વરસાદ વરસાવી રહ્યું છે અને તે કેપ્ટન તરીકે પણ ટીમનું શાનદાર નેતૃત્વ કરી રહ્યો છે. ધોનીએ ગઈ કાલે આરબીસી સામે ૩૪ બોલમાં અણનમ ૭૦ રન બનાવ્યા.

આ દરમિયાન તેણે એક ચોગ્ગો અને સાત આકર્ષક છગ્ગા ફટકાર્યા. પોતાની મેચ વિનિંગ ઇનિંગ્સ દરમિયાન ધોનીએ એક એવો રેકોર્ડ નોંધાવી દીધો, જે આ પહેલાં દુનિયાનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી.

ધોની કેપ્ટન તરીકે ટી ૨૦ ક્રિકેટમાં પાંચ હજાર રન બનાવનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. ધોની અત્યાર સુધીમાં કરિયરમાં કુલ ૨૮૩ ટી-૨૦ મેચ રમ્યો છે, જેની ૨૫૫ ઇનિંગ્સમાં તેણે ૫૭૮૬ રન બનાવ્યા છે. એમાંથી ૫૦૧૦ રન ધોનીએ ૨૪૬ મેચમાં કેપ્ટન તરીકે બનાવ્યા છે.

ધોનીએ આઇપીએલમાં કુલ ૧૬૫ મેચ રમી છે, જેમાં તેના બેટમાંથી ૩૭૭૦ રન નીકળ્યા છે. તે ફક્ત એક જ સિઝન આઇપીએલ-૧૦માં પુણે તરફથી કેપ્ટન તરીકે નહોતો રમ્યો. આઇપીએલ ૧૦માં તેણે ૧૬ મેચમાં ૨૯૦ રન બનાવ્યા હતા. આમ તેના નામે ઐઇપીએલમાં કેપ્ટન તરીકે ૧૪૯ મેચમાં કુલ ૩૪૮૦ રન નોંધાયા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ટી ૨૦માં ધોની કુલ ૮૯ મેચ રમ્યો છે, જેમાં ૭૨ મેચમાં કેપ્ટનશિપ સંભાળતા તેણે ૧૧૧૨ રન બનાવ્યા છે.

ધોની બાદ કેપ્ટન તરીકે ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ગૌતમ ગંભીર ૪૨૪૨ રન સાથે બીજા અને વિરાટ કોહલી ૩૫૯૧ રન સાથે ત્રીજા નંબર પર છે.

You might also like