જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની સરકાર સુનિશ્ચિત, આયુષ્ય કેટલું?

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મુફ્તી મહંમદ સઈદ જન્નતનશીન થતાં આ પદ માટે તેમનાં પુત્રી અને પીડીપીનાં નેતા મહેબૂબા મુફ્તીની પસંદગી સુનિશ્ચિત બની છે. રાજ્યની ગઠબંધન સરકારના હિસ્સેદાર ભાજપે પણ મહેબૂબા મુફતીના નામ અંગે સંમતિ અને સમર્થન આપતાં રાજ્ય સરકારમાં સર્જાયેલા શૂન્યાવકાશને ભરવાનું કામ સરળ બની ગયું છે. મહેબૂબા મુફતીએ પિતાના મૃત્યુના શોકને કારણે તત્કાલ શપથ લેવાનું અશક્ય જણાવતાં રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદવામાં આવ્યું છે, પરંતુ એ માત્ર થોડા દિવસની ઔપચારિકતા જ ગણાય.

પીડીપીમાં મુફ્તી મહંમદ સઈદનું સ્થાન લઈ શકે એવાં એકમાત્ર નેતા મહેબૂબા મુફતી જ છે. છેલ્લા કેટલાક સમયથી પોતાના નરમ સ્વાસ્થ્યને કારણે મુફતીસાહેબે જ પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે પુત્રીના નામને આગળ કરવા માંડ્યું હતું. ખાસ કરીને સરકારમાં ભાગીદાર ભાજપના નેતાઓનાં મહેબૂબા મુફતી સામે વાંધા-વિરોધને સમજીને તેમણે આખરી દિવસોમાં મહેબૂબાને મુખ્યપ્રધાન બનાવવા માટે સંમતિ સાધવા ભાજપ અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી.

ગત વર્ષના માર્ચ મહિનામાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી- ભાજપ ગઠબંધન વખતે ભાજપે પીડીપીના મુખ્યપ્રધાન પદના દાવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ મહેબૂબાના નામનો વિરોધ કર્યો હતો. તેથી મુફતી મહંમદ સઈદની વરણી થઈ હતી. આજે હવે મુફતીસાહેબ નથી ત્યારે ભાજપના રાજ્યના નેતાઓએ એકરાર કર્યો છે કે મહેબૂબા મુફતીને મુખ્યપ્રધાન તરીકે સ્વીકારવાં એ મજબૂરી છે.

પીડીપી આજે સંપૂર્ણપણે મહેબૂબાના હાથમાં છે. એ સ્થિતિમાં ભાજપ બીજું કાંઈ વિચારી શકે તેમ નથી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કુલ ૮૭ બેઠકોમાંથી ૨૮ બેઠકો પીડીપીની અને ૨૫ બેઠકો ભાજપની છે. ભાજપને મહેબૂબા સામે મુખ્ય વાંધો એ રહ્યો છે કે મુફતીસાહેબની સરખામણીમાં તેમનું કાશ્મીરના અલગતાવાદીઓ પ્રત્યેનું વલણ નરમ રહ્યું છે. ભાજપના નેતાઓ આજે પણ એવું માને છે કે મહેબૂબા મુફતી મુખ્યપ્રધાન બને તો પણ તેમનામાં પરિપક્વતાનો અભાવ છે. તેમની ઇમેજ તત્કાલ ઉતાવળે નિર્ણય લેનાર વ્યક્તિ તરીકેની છે.

ભાજપને એવી દહેશત છે કે કદાચ આવાં જ કારણસર મહેબૂબા મુફતીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર કોઈક વાર ખતરામાં મુકાય એવું બની શકે. અત્યાર સુધી ભાજપની કેન્દ્ર સરકાર પાકિસ્તાન સાથેની વાતચીતમાં મુફતી મહંમદ સઈદને વિશ્વાસમાં લઈને આગળ વધતી હતી. હવે મહેબૂબા મુફતીને વિશ્વાસમાં લઈને ચાલવું પડશે, જે કદાચ થોડું મુશ્કેલ બની રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં સૈન્યને વિશેષાધિકાર આપતાં એફસ્પાના કાયદા બાબતે પણ મહેબૂબા મુફતીનું વલણ વધુ મુખર અને બોલ્ડ રહ્યું છે. મુખ્યપ્રધાન બન્યા પછી તેમણે આ મુદ્દાને બહુ મહત્ત્વ ન આપતાં ગઠબંધન સરકારના સુચારુ સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તેઓ આ કાયદા અંગેના પોતાના ઉગ્ર વલણને વળગી રહીને ફરી તેને અગ્રતા આપશે તો ભાજપની કેન્દ્ર સરકાર માટે પણ મુશ્કેલી સર્જાશે. મહેબુબાએ રાજ્યમાં કટ્ટરતાવાદીઓ અને ખાસ કરીને હુરિયતના નેતાઓને કાબૂમાં રાખવા પડશે.

આ ઉપરાંત ભાજપ સાથેની ગઠબંધન સરકારને વિવાદસ્પદ મુદ્દાઓથી બચાવવાની રહેશે. રાજ્યમાં રાજકીય સ્થિરતા અને વિકાસને પ્રાધાન્ય આપવું પડશે. સાથોસાથ તેમણે તેમના પક્ષના નેતાઓના જ વિરોધને નિયંત્રણમાં રાખવો પડશે. મુફતી મહંમદ સઈદના શાસનકાળમાં અલગતાવાદ કોઈ મોટી સમસ્યા બન્યો નહીં.

મહેબૂબાએ પિતાની વિરાસતને આગળ ધપાવવાની છે. મહેબૂબા રાજકારણના પાઠ તેમના પિતાના હાથ નીચે જ શિખ્યાં છે. આમ છતાં બંનેનાં વ્યક્તિત્વ અને વલણમાં ઘણી ભિન્નતા જોવાઈ છે. સરકારના નેતૃત્વમાં તેમની કસોટી થવાની છે. અત્યારે એવું સ્વીકારવામાં આવ્યું છે કે મહેબૂબાની નવી સરકારના સ્વરૂપમાં કોઈ બદલાવ નહીં હોય. પીડીપી અને ભાજપ પાસે જે વિભાગો છે એ એમ જ રહેશે.

ભાજપમાં જો કે પક્ષના પ્રધાનપદના ચહેરાઓને બદલવાની માગણી થતી રહી છે, પરંતુ ભાજપે અત્યારે તેમના કોઈ ચહેરા બદલવાની વાતનો પણ ઈનકાર કર્યો છે. મુફતીસાહેબની ગેરહાજરીનો લાભ કે ગેરલાભ ઉઠાવવાનો પાકિસ્તાન પ્રેરિત પરિબળો પ્રયાસ કરે તો એવી સ્થિતિનો સામનો કરવામાં ભાજપે મહેબૂબા મુફતીને સંપૂર્ણ સહયોગ આપવો પડશે.

You might also like