સમત્વની શીતળ સરિતા રેલાવતા મહાવીર સ્વામી

જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતીક હતા. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ઓતપ્રોત હતું. એક લંગોટીનો પણ પરિચય તેમને ન હતો. હિંસા, પશુબલિ, નાત-જાતના ભેદભાવ જે યુગમાં વધી ગયા હતા.તે યુગની અંદર જન્મેલા મહાવીર અને બુદ્ધ બંનેએ આ વસ્તુઓની વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. બંનેએ અહિંસાનો ભરપુર વિકાસ કર્યો.

શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે કે વર્ધમાનનાં યશોદા સાથે વિવાહ થયાં હતાં. તેમની પુત્રીનું નામ હતું અયોજ્જા જ્યારે કે દિગમ્બર સંપ્રદાયની માન્યતા છે કે તેમના વિવાહ થયા જ નહોતા તેઓ બાળ બ્રહ્મચારી હતા.

રાજકુમાર વર્ધમાનના માતા-પિતા જૈન ધર્મના ૨૩મા તીર્થકર પાર્શ્વનાથ જે મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં થયા હતા તેમના અનુયાયી હતાં. વર્દ્ધમાને મહાવીરનાં ચાતુર્યામ ધર્મમાં બ્રહ્મચર્યને જોડીને પંચ મહાવ્રત રૂપી ધર્મ ચલાવ્યો. વર્ધમાન બધાની સાથે પ્રેમનો વ્યવહાર રાખતા હતા. તેમને તે વાતનું જ્ઞાન થઈ ગયું હતું કે ઈન્દ્રિયોનું સુખ, વિષય-વાસનાઓનું સુખ બીજાઓને દુ:ખ પહોંચાડીને જ મેળવી શકાય છે.

મહાવીરજીની ૨૮ વર્ષની ઉંમરમાં તેમનાં માતા-પિતાનો દેહાંત થઈ ગયો હતો. મોટા ભાઈ નંદિવર્ધનના વિરોધ છતાં પણ તે બે વર્ષ સુધી ઘરે જ રહ્યા અને ત્યાર બાદ ત્રીસ વર્ષની ઉંમરમાં વર્ધમાને શ્રામણી દીક્ષા લઈ લીધી. તેઓ શ્રમણ બની ગયા. તેમના શરીર પર પરિગ્રહના નામે લંગોટી પણ નહોતી રહી. વધારે સમય તો તેઓ ધ્યાનમાં જ રહેતા હતા. હાથમાં જ ભોજન કરી લેતા હતા.

ગૃહસ્થો પાસેથી કોઈ જ વસ્તુ નહોતા માગતાં. ધીમે-ધીમે તેમણે પૂર્ણ આત્મસાધના પ્રાપ્ત કરી લીધી. વર્ધમાન મહાવીરે ૧૨ વર્ષ સુધી મૌન તપસ્યા કરી અને ખૂબ જ કષ્ટનો સામનો કર્યો. અંતે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેમણે જનકલ્યાણ માટે ઉપદેશ આપવાનું શરૂ કર્યું.

ભગવાન મહાવીરે પોતાનાં પ્રવચનોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર સૌથી વધારે જોર આપ્યું. ત્યાગ અને સંયમ, પ્રેમ અને કરૂણા, શીલ અને સદાચાર જ તેમના પ્રવચનોનો સાર હતો. દેશની અંદર જુદાં જુદાં સ્થળોએ પરિભ્રમણ કરીને તેમને પોતાનો પવિત્ર સંદેશ ફેલાવ્યો.

સાધુ બનલા વર્ધમાન મહાવીર સ્વામી હવે ગામોગામ વિહરવા લાગ્યા. દેશ અને આ દુનિયાની દિલ્લગીથી એમનું દિલ ઊઠી ગયું. વિહરતા વિભુ–વીર એક ગામમાં જઈ ચઢ્યા. ગામને પાદરે યક્ષનું મંદિર હતું. અતિ ક્રૂર અને કઠોર દિલનો એ શૂલપાણિ યક્ષ, ગામની પ્રજાને રંજાડવામાં પાછી પાની કરતો નહિ.

પ્રભુ મહાવીર આ યક્ષના મંદિરમાં રાત્રિ ગુજારો કરવાની અભિલાષા સેવતા હતા. ગ્રામજનોએ પ્રભુને ખૂબ આર્દ્રભાવે અરજી કરી: ‘પ્રભો, આ દેવ મહા દુષ્ટ છે. આપને રાત્રિમાં ભયંકર દુઃખના દાવાનળમાં ઝીંકી દેશે. આપ આ મંદિરમાં ન પધારો.’ પણ મહાવીર જેનું નામ ! એને ડરવાનું શું કામ ? વીરનું નામ સાંભળીને ભય તો બિચારો ભૂત બનીને ભાગી જતો. નીડરતા અને નિર્ભયતાના સ્વામી મહાવીર દેવે યક્ષ મંદિરમાં રાત નિવાસ કર્યો.

એક રાતમાં ઝંઝાવાત ફૂંકાઈ ગયો. બ્રહ્માંડના વિસ્ફોટ કરી નાખે એવું અટ્ટહાસ્ય શૂલપાણિએ વેરવા માંડ્યું. જાત જાતનાં જાનવરો છોડ્યાં, લાંબી લાંબી જીભવાળા સાપો છોડ્યા, ક્રૂર કદાવર કુંજરો (હાથીઓને) છૂટા મૂક્યા, પિશાચોના ભયાનક-ભીષણ ઉપદ્રવો અને આંખ, નાક, દાંત, નાખ આદિ અતિકોમળ અંગ ઉપાંગોમાં તીવ્ર વેદનાઓ ઉત્પન્ન કરી.

પણ મહાવીર દેવ અટલ રહ્યા. દુઃખોની ઝડીઓ ઝીંકાઈ જાય કે સુખોના સમન્દર સીમા ઓળંગે તો ય મહાવીર દેવ તો સમતાનાં શિખર ઉપર સંરોહણ કરતા, એમનાં હૃદય-તળ ઉપર સમત્વની શીતળ સરિતા ખળખળ નાદ રેલાવતી વહ્યે જતી. ઘોર દુઃખો અને દર્દોમાંય મહાવીર દેવની આ અડોલ દેહ મૂર્તિ જોઇને શૂલપાણિ પાણી પાણી થઇ ગયો.

એક એક ઉપસર્ગમાં મૃત્યુ અટ્ટહાસ્ય વેરી રહ્યું હતું. પણ તો ય ક્ષમામૂર્તિ મહાવીર મનથી પણ કૃદ્ધ ન બન્યા. મહાવીર દેવના હૃદયમાં ક્ષમાની આ સરસર વહી જતી નદીમાં નાહીને શૂલપાણિ પવિત્ર બની ગયો. એણે ભગવાનનાં ચરણોમાં પડીને પુન:પુન: માફી માગી.•

You might also like