કોણ હતા મહાત્મા પુષ્પદંત?

શિવ ઉપાસકોમાં મહાત્મા પુષ્પદંત વિરચિત શિવમહિમ્નસ્તોત્ર ખૂબ જ પ્રિય છે. તેના શબ્દેશબ્દમાં શિવ પ્રત્યેની અપાર ભક્તિ તથા કૃતજ્ઞતા મહાત્મા પુષ્પવંદન દ્વારા વર્ણવાઇ છે. પુષ્પદંત શિવમહિમ્નસ્તોત્રના રચિયતા તથા મહાન અને પરમ શિવભક્ત હતા. તે ઉપરાંત તેે પરમ જ્ઞાની પણ હતા. તેમનું તપ ખૂબ જ વિસ્તર્યું હતું. તેમનાં તપથી સ્વર્ગાદિક દેવતાઓ પણ ચિંતિત થઇ ગયા હતા. તેમનાં તપથી આકર્ષાયેલા શિવજીએ તેમના પ્રિય ભક્ત પુષ્પદંતના મૃત્યુ પશ્ચાત મહાત્મા પુષ્પદંતને પોતાની નજીક રાખી પ્રિય પાર્ષદ બનાવેલ છે. આવું સ્થાન તો પરમ પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય. વળી, તેમનાં તપથી ખુશ થયેલા ભગવાન શિવે તેમના જીવતે જીવ તેમને અંતદ્યાન થવાની અમોઘ વિદ્યા પણ આપી હતી.મહાત્મા પુષ્પદંતને શિવ પૂજન અતિ પ્રિય હતું. તેઓ ગાંધર્વ હતા તેમનામાં આકાશ ગમનની પરમ શક્તિ હતી. એક વખત તેઓ કાશીનગર ઉપરથી આકાશ ગમન કરતા હતા. ત્યારે તેમણે પૃથ્વી ઉપર આવેલા કાશી નગરના કાશી રાજયમાં કાશી નરેશનો દિવ્ય પુષ્પોથી શોભતો બગીચો તેમણે જોયો. આ બગીચામાં અનેકવિધ પુષ્પો હતાં. પારિજાત, સોનપંચો, રક્તચંપો, અનેક પ્રકારના બીજા ચંપા, મધુમાલતી, બોગનવેલ, જૂઇ, રાતરાણી, દિન કા રાજા અનેક ધતૂરપત્રાદિ વેલ, સેવંતી, દગડફૂલ તથા બીજાં અનેક પુષ્પનાં ફૂલ છોડ જોયા.
જાત જાતનાં પુષ્પ જોઇ પુષ્પદંત ખૂબ ખુશ થયા. તેથી તેઓ શિવપૂજન કરવા પુષ્પ ચોરવા ઉદ્યુક્ત થયા. તેમણે કાશીરાજના બગીચામાંથી અનેક પ્રકારનાં પુષ્પ ચોર્યાં. તેમણે શિવ પૂજન કર્યું. તે પછી તો તેઓ દરરોજ પોતાની આકાશગમન વિદ્યા તથા ગુપ્ત વિદ્યાના જોરે કાશી નરેશના બગીચામાંથી પુષ્પ ચોરવા લાગ્યા. આ વાતની રાજાના સેવકોને ખબર પડી તેમણે સેનાપતિને જાણ કરી. સેનાપતિએ રાજાને જાણ કરી.
રાજાના બગીચામાંથી પુષ્પ કોણ ચોરી જાય છે તે જાણવા રાજાને બહુ મોટું ઇનામ રાખ્યું. બહુ ઢંઢેરા પિટવ્યા પરંતુ આ તો ગાંધર્વરાજ પુષ્પદંત. તેમની અપાર વિદ્યાને કારણે તેઓ કોઇના હાથમાં પકડાતા નહીં.
જેમ જેમ પુષ્પ ચોરાતાં ગયાં તેમ તેમ રાજાના દિલમાં અંજપો વધવા લાગ્યો. તેને રાત્રે ઊંઘ પણ આવતી નહીં. તે ખૂબ ચિંતાતુર રહેવા લાગ્યો કારણ કે રાજાને આ બગીચો પોતાના જીવથી પણ વધુ પ્રિય હતો.
કાશી નરેશ પણ પરમ શિવ ભક્ત હતા. કારણ કે કાશી નગરી ભગવાન શિવજીએ પોતે વસાવી છે. કાશીનગરી ત્રિશૂળના અણીદાર વચ્ચેના શૂળ ઉપર વસેલી છે. કાશી નરેશ આથી ખૂબ ચિંતન કર્યું. તેમના મગજમાં એક વિચાર ઝબકયો કે આવી રીતે ગુપ્ત રીતે કોઇ પુષ્પ ચોરી શકે નહીં. પુષ્પ ચોર કોઇ દિવ્ય શકિત ધરાવે છે. તેને બળથી નહીં પરંતુ કળથી પકડવો પડશે. આથી તેણે ચોરને પકડવા માટે બગીચામાં ઠેકઠેકાણે બિલ્વપત્ર તથા શિવનિર્માલ્ય વેર્યાં.
બીજા દિવસે પ્રાતઃકાળે આ ઉપાયથી અજાણ એવા મહાત્મા પુષ્પદંતજી પોતે પુષ્પ ચોરવા આકાશમાર્ગે કાશી નગરના બગીચામાં આવે છે. તેમનો પગ શિવ નિર્માલ્ય પર પડતાં જ તેમનો જાદુ પ્રભાવ ઓસરી ગયો. તેઓની અદૃશ્ય થવાની શક્તિ નષ્ટ થઇ ગઇ. તેઓ દૃશ્યમાન થઇ ગયાં. સૈનિકોની નજરે ચોર પકડાઇ ગયો. તેઓ પુષ્પદંતને કાશી નરેશ પાસે લઇ ગયા.
પુષ્પદંતની શકિત નષ્ટ પામી હતી. તેમનું જ્ઞાન તપ તેમનું તેમ હતું. બંધનાવસ્થામાં તેમણે શિવમહિમ્નસ્તોત્રની રચના કરી. તેનાં પદો ભગવાન શિવને અર્પણ કર્યાં. આથી શિવ તેમની ઉપર ખૂબ પ્રસન્ન થયા. તેઓ એકદમ ત્યાં પ્રગટ થયા. રાજા સમક્ષ તેઓએ પ્રગટ થઇ પુષ્પદંતને છોડાવ્યા. રાજાને પણ અભયપદ આપ્યું. આમ, પુષ્પદંતનો તેમની અપાર ભકિત તથા શક્તિને કારણે મોક્ષ થયો તો કાશી નગર પણ ભગવાન સદાશિવના અપાર ભક્ત હોવાને કારણે અભયપદ પામ્યા.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like