મહાત્મા મંદિર ખાતે આવતી કાલથી વિધાનસભાનું બે દિવસીય સત્ર

અમદાવાદ: ૧૩મી વિધાનસભાનું સત્ર આવતી કાલથી બે દિવસ માટે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મળી રહ્યું છે. આ બે દિવસીય સત્ર મહાત્મા મંદિર ખાતે મળી રહ્યું હોવાથી પહેલી વાર પ્રેક્ષકોને વિધાનસભાની કાર્યવાહી જોવા મળશે નહીં. મહાત્મા મંદિર ખાતે સભાગૃહમાં ગેલેરીને વ્યવસ્થા ન હોવાથી સામાન્ય નાગરિકોને પ્રવેશ નહીં મળે.

આવતી કાલે રાજ્યસભાની ૩ બેઠક માટેની ચૂંટણી પણ યોજાઇ રહી છે. આવા સંજોગોમાં આ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આવતી કાલનો દિવસ ભારે રસાકસીભર્યો બની રહેશે. હાલમાં વિધાનસભાના બિલ્ડિંગનું નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું હોવાથી વિશેષ સત્રનું સ્થળ બદલીને મહાત્મા મંદિર કરાયું છે.

આવતી કાલે નારણપુરાના ધારાસભ્ય તરીકે અમિત શાહ માટે આ ચાલુ ટર્મનો છેલ્લો દિવસ હશે કારણ કે તેઓ આવતી કાલે સાંજે રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા જાહેર થાય તે નિશ્ચિત છે.

આવતી કાલે પૂર્વ રાજ્યપાલ નરેશ સકસેના, પૂર્વ ધારાસભ્ય બદીઆભાઇ ગોંદિયા, શાંતાબહેન ચાવડા અને અતિવૃષ્ટિ પૂરના કારણે અવસાન પામેલા પ્રજાજનો માટે શોકદર્શક ઠરાવ પસાર થશે. ત્યારબાદ સરકારી વિભાગો અને નિગમોના વાર્ષિક અહેવાલો રજૂ થશે. તેમજ ગુજરાત સહકારી મંડળી કાયદા સુધારા વિધેયક, ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ વિધેયક, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક અને શહેરી જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક રજૂ થશે.

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરીને જ તમામ ધારાસભ્યો સત્રમાં હાજરી આપશે આવતી કાલે ગૃહમાં ગત સપ્તાહ દરમ્યાન બનેલી કોંગ્રેસમાં બળવાની સ્થિતિ‌ સહિત અનેક રાજકીય ઘટનાઓના પડઘા પડશે એમ મનાઇ રહ્યું છે.

You might also like