દલિત મહાસંમેલનઃ કલેકટરે મહાસંમેલનની આપી મંજૂરી

અમદાવાદ: ઊનાના દલિત અત્યાચારની ઘટના બાદ દલિતોમાં રોષની લાગણી ઉદભવી છે. અા લાગણીને બહાર લાવવા માટે રાજ્યનાં વિવિધ સંગઠનોને ઊના દલિત અત્યાચાર લડત સમિતિના નામે એક નેજા હેઠળ લાવવાનો પ્રયાસ કરાયો છે. જેના ભાગરૂપે અાવતી કાલે અમદાવાદ ખાતે દલિત મહાસંમેલનનું અાયોજન કરાયું છે. આ મહા સંમેલનને કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.  આ મહાસંમેલનને પોલીસે પણ મંજૂરી આપી છે. આ મહાસંમેલનને અચેર ડેપો ખાતે યોજવાની મંજૂરી અપાઇ છે.

આ અગાઉ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહેવાના હોઇ પોલીસનો કાફલો આરટીઓ ખાતે ખડકી દેવાશે અને મંજૂરી અપાઇ ન હોય તેઓની ધરપકડ પણ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું. મહાસંમેલનની મંજૂરીને લઇને હજુ સુધી સસ્પેન્સ યથાવત્ છે, જોકે મહાસંમેલનને મંજૂરી આપવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અા સંમેલનમાં જેએનયુના સ્ટુડન્ટ યુનિયનના નેતા અને દેશદ્રોહના કેસમાં હાલ જામીન પર મુક્ત કનૈયાકુમારને બોલાવવા માટેના પ્રયાસો કરવામાં અાવી રહ્યા છે. જ્યારે દક્ષિણ ભારતમાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં પાંચ દલિત યુવાનોને હોસ્ટેલમાંથી બરતરફ કરાયા હતા, જે પૈકીના આત્મહત્યા કરી લેનાર દલિત પીએચડી સ્ટુડન્ટ રોહિત વેમુલાના પરિવારજનો સંમેલનમાં હાજર રહેશે તેમ સમિતિના કન્વીનર જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું.

મેવાણીએ જણાવ્યું હતું કે અા સંમલેનમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઅોને અામંત્રણ અાપવામાં અાવ્યું નથી. અા સંમેલન બિનરાજકીય છે. જો કોઈ રાજકીય પક્ષના અાગેવાન કે નેતાઅો અાવશે તો તેમણે સમાજના એક કાર્યકરની જેમ અન્ય લોકોની સાથે જોડાવવું પડશે. સંમેલનને અટકાવવા માટે યેનકેન પ્રકારના પ્રયાસો કરી રહી છે. સંમેલન માટે પરમિશન ન મળે તેવી સંભાવના છે. અામ છતાં સંમેલનમાં હજારોની સંખ્યામાં દલિતો ઊમટી પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

મેવાણીએ જણાવ્યું હતું કે અા સંમેલનને પરવાનગી અાપવામાં નહીં અાવે તો 1 અોગસ્ટ બાદ રાજ્યમાં દરેક જિલ્લા મથકો અને તાલુકા મથકોએ અાશ્ચર્યજનક કાર્યક્રમો અાપવામાં અાવશે. તેમજ મૃત પશુઅોને ઉપાડવામાં નહીં અાવે, નગરપાલિકાઅોના સફાઈ કામદારો દ્વારા ઝાડુ ઉપાડવામાં નહીં અાવે સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં અાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજના અાંદોલન બાદ સરકારે તેમની સાથે ટેબલ ટોક કરીને અનકોન્સ્ટિટ્યૂશનલ રીતે તેમની માગણીઅોને સંતોષવામાં અાવી છે ત્યારે પાટીદારોની જેમ અમારી સાથે ટેબલ ટોક કરીને અમારી માગણીઅોનો નિકાલ કરવામાં અાવે. અમારી માગણી છે કે રાજ્યમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારો બંધ થાય અને દલિત સમાજની પડતર માંગણીઅોનો નિકાલ કરવામાં અાવે. અમારી કુલ દસ માંગણીઅો છે. અમારી કોઈ માગણીઅો ગેરબંધારણીય નથી.

ઊના દલિત અત્યાચાર લડત સમિતિઅોની માગણીઅો
1. રાજ્યમાં રિઝર્વેશન એક્ટ બનાવીને દલિતોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ કરાય.
2. ગુજરાતમાં એટ્રોસિટી એક્ટના અમલ માટે તાત્કાલિક એટ્રોસિટી કોર્ટની રચના કરવી.
3. થાનગઢ હત્યાકાંડના ફરાર અારોપીને તાત્કાલિક ધરપકડ કરવી અને અા કેસમાં તાત્કાલિક ધોરણે ચાર્જશિટ કરવી.
4. ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત કરેલા ડૉ. અાંબેડકરના બૌદ્ધ ધર્મ અંગિકાર સમયે લીધેલી 22 પ્રતિજ્ઞાવાળા પુસ્તકને પરત ખેંચીને તેને સળગાવી દીધા હતા. અા પુસ્તકને ફરીથી પ્રકાશિત કરવા.
5. અાદિવાસીભાઈઅોની ફોરેસ્ટ એક્ટ હેઠળ જમીન માટે કરાયેલી 1.20 લાખ અરજીઅોનો તાકિદે નિકાલ કરાય.

દલિત સમાજની ઝુંબેશ
1. ઊના દલિત અત્યાચાર બાદ દરેક જિલ્લા અને તાલુકામાં દલિત સમાજના લોકો દ્વારા સ્વરક્ષણ માટે હથિયાર લાયસન્સ માટે અરજીઅો કરવી
2. ખેલ મહાકુંભ અંતર્ગત દરેક જિલ્લા અને તાલુકા મથકે દલિત સમાજના યુવાનોને જુડો, કરાટે જેવી માર્શલ અાર્ટ્સની તાલીમ અાપતા કેન્દ્રો શરૂ કરાવવા.
3. દરેક ગામમાં દલિત પરિવારને સરકારી પડતર જમીનમાંથી પરિવાર દીઠ પાંચ એકર જમીન ફાળવવામાં અાવે.
4. સ્માર્ટસિટીમાં જાતિવાદથી દૂર રહીને ગામડાં ત્યજી દલિતોનો સ્માર્ટસિટીમાં સમાવેશ કરવો.
5, દલિતોએ મૃત પશુઅોના નિકાલ,ગટરમાં ઊતરીને સફાઈ કરવાનું કામ, મેલું ઉપાડવા જેવા પરંપરાગત કામો ત્યજીને સરકાર પાસે વૈકલ્પિક રોજગારી માગવી.

કલેકટર કચેરીએ કોર્પોરેશનની મદદ માગી
આવતી કાલે બપોરે ૧ર વાગ્યે કલેકટર કચેરી પાસેના આરટીઓ પ્રાંગણમાં મહાદલિત સંમેલન યોજાશે. આ સંમેલન પહેલાં કલેકટર કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. કેમ કે સંમેલનમાં જોડનાર દલિતો પોતાની સામે થયેલા અત્યાચારના વિરોધના પ્રતીકરૂપે મૃત પશુઓ પણ લાવવાનાં છે. આ બાબતને ગંભીરતાથી લઇ કલેકટર કચેરીએ કોર્પોરેશન પાસે સંભવિત મૃત ઢોરોના નિકાલની કામગીરી કરવા કોર્પોરેશન પાસે મદદ માગી છે. કોર્પોરેશનના સત્તાવાળાઓ કલેકટર કચેરીને મદદ કરવા હરકતમાં આવી ગયું છે.

You might also like