બ્રહ્માજીના માનસ પુત્રઃ મહર્ષિ વશિષ્ઠ

શ્રીમદ્ ભાગવત અનુસાર વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. તેઓ બ્રહ્મદેવના પ્રાણવાયુથી ઉત્પન્ન થયા છે.
ઋગ્વેદ અનુસાર મહર્ષિ વશિષ્ઠ મિત્રાદેવી તથા વરુણદેવના પુત્ર છે. તો ઋગ્વેદમાં જ આગળ જણાવાયું છે કે મિત્રાદેવી તથા વરુણદેવના આ મહાન પુત્ર સ્વર્ગની સૌથી સુંદરતમ અપ્સરા ઉર્વશીના મનથી ઉત્પન્ન થયા છે.
મહર્ષિ વશિષ્ઠ શ્રીરામના ગુરુ હતા. તેઓનું નિવાસ સ્થાન રામાયણ અનુસાર અયોધ્યા પાસેનું ઉપવન હતું. અહીં તેઓ તપ કરતા આશ્રમ બનાવી રહેતા. વિદ્યાર્થીઓને વેદાધ્યયન કરાવતા હતા. તેઓ તયાગ, તપસ્યા, ભ્રમ અને ત્યાગની મૂર્તિ હતા.
અયોધ્યાના રાજા દશરથને ત્રણ ત્રણ પત્ની હોવા છતાં એક પણ પુત્ર હતો નહીં. હા, શાંતા નામની એક પુત્રી હતી. અહીં વશિષ્ઠ ઋષિએ દશરથ રાજાને પુત્રેષ્ઠિ યજ્ઞની વિધિ બતાવી તે કરાવાથી તત્કાલ ફળ મળે છે. તેમ જણાવ્યું.
પુત્ર ન હોવાથી વ્યાકુળ દશરથ રાજા તથા માતા કૈકયી, સુમિત્રા, કૌશલ્યા તૈયાર થઇ ગયાં. મહર્ષિએ પુત્રેષ્ઠિ યજ્ઞ આરંભ્યો. યજ્ઞ પૂરો થતાં યજ્ઞકુંડની પ્રજ્જવલિત જ્વાળામાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા. ખીરના ચરુ વશિષ્ઠને હાથોહાથ આપ્યા. જે તેમણે ત્રણેય રાણીને ખવડાવ્યા. જેના થકી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન થયા.
જ્યારે જ્યારે રામાયણનું કે શ્રીરામનું કથાનક લખાય છે વંચાય છે સંભાળાય છે ત્યારે ત્યારે ખૂબ આદર તથા સન્માનપૂર્વક મહર્ષિ વશિષ્ઠનું નામ લેવાય છે. અને કેમ ન લેવાય? તેમણે તો રાજા દશરથના ચારેય પુત્ર રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્નને બાણવિદ્યામાં પારંગત બનાવ્યા.
મહર્ષિ વશિષ્ઠ સ્વયં બ્રહ્મદેવના પુત્ર હતા. તેમને વેદના તથા અનેક પુરાણના મંત્રના સ્વયં દર્શન થતા હતા. તેઓ પ્રખર મંત્રદૃષ્ટા હતા. ઋગ્વેદનું સાતમું મંડળ તો વશિષ્ઠ મંડળ તરીકે જ ઓળખાય છે.
એક વખતની વાત છે. મિત્રા તથા વરુણદેવે સ્વર્ગની સુંદરી ઉર્વશીને જોઇ. વરુણદેવે ઉર્વશીને જોતાં જ મોહગ્રસ્ત થયા. તેમનું તેજ એકદમ પ્રજલિત થયું. તે તેજ તેમણે તત્કાળ માટીના કુંભમાં ભરી દીધું. તે પછી વાત ભુલાઇ ગઇ. સમયના પ્રવાહમાં તે કુંભમાંથી વશિષ્ઠ તથા અગસ્ત્યનો પ્રાદુર્ભાવ થયો.
કુંભના જળમાંથી વશિષ્ઠ બહાર નીકળ્યા. તેઓ બહાર નીકળ્યા ત્યાં જ જંગલમાં જઇ તપસ્યામાં લીન થઇ ગયા. મહર્ષિ વશિષ્ઠને જોડતા અનેક ગ્રંથ લખાયા છે. જેમાં મુખ્યત્વે વશિષ્ઠ સ્મૃતિ, વૃદ્ધ વશિષ્ઠ, વશિષ્ઠ તંત્ર, વશિષ્ઠ લિંગપુરાણ, વશિષ્ઠ શિક્ષા, વશિષ્ઠ શ્રાદ્ધ કલ્પ છે. આ સૌમાં વશિષ્ઠ સ્મૃતિ બહુ મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં સાત અધ્યાય છે. ૧૧પ૦ શ્લોક છે.
આ ગ્રંથમાં વૈષ્ણવધર્મ, વૈષ્ણવ ભક્તિ દર્શન, વૈષ્ણવોના સદાચરણ, પૂજાપાઠ ઉપર પ્રકાશ પડાયો છે. ઋગ્વેદ યજ્ઞ મંડળમાં વહેંચાયેલ છે. મંડળની અંદર સૂક્તો છે. સૂક્તોની અંદર ઋચાઓ છે. પ્રત્યેક મંડળના પુષ્પ અલગ અલગ ઋષિ હોય છે. મહર્ષિ વશિષ્ઠને બાર પુત્ર છે. જેમનાં નામ નીચે મુજબ છે. મન્યુ, ઉપમન્યુ, વ્યાધ્રપાત, મૃખિક, વૃષગણ, મ્રથ, ઇન્દ્ર, પ્રમતિ, ધમ્નિક, ચિત્રમહા કર્ણશ્રુત, વસુક અને શક્તિ છે. મહર્ષિ વશિષ્ઠ પાસે ૧૦૦૦ ગાય હતી. કામધેનુ ગાયની પુત્રી નંદિની તેમના આશ્રમમાં રહેતી હતી. મહર્ષિ વશિષ્ઠ તથા તેમનાં પત્ની અરુંધતી નંદિનીની સદૈવ સેવા કરતા હતા. આ ગાય બહુ જ અદ્ભુત હતી. એક વખત વિશ્વામિત્ર ત્યાં આવ્યા. તેમણે નંદિની જોઇ તેમનું મન લલચાયું. તેમણે વશિષ્ઠ પાસેથી નંદિની છીનવી લેવાનું મન મનાવ્યું. પરંતુ વશિષ્ઠનું તપોબળ જોતાં તેમણે તેમ કરવું ઉચિત ન માન્યું. તેમનું બ્રહ્મતેજ જોઇ વિશ્વામિત્રે પોતાનું ક્ષાત્રતેજ ત્યજી દીધું.
આવા મહાન ઋષિને અયોધ્યાના રાજા દશરથ બહુ માન આપતા હતા. તેમનો આદર કરતા હતા. તેઓ એટલા પ્રખ્યાત થયા હતા કે શ્રીરામે તેમને કુલગુરુ પદે સ્થાપ્યા હતા. તેમણે જ રામ સીતાના લગ્ન કરાવ્યાં હતાં.•
http://sambhaavnews.com/

You might also like