મહર્ષિ ભૃગુની ઉત્પત્તિ

બહુ સમય પહેલાંની આ વાત છે. મહેશ્વર એક યજ્ઞની તૈયારી કરવાના હતા. તેમણે બ્રહ્માજીને તે માટે વાત કરી કે મારા યજ્ઞમાં આપ આચાર્ય બનો. બ્રહ્માજીએ આ વાત સ્વીકારી લીધી. ‘‘આપ યજ્ઞ ન કરો અને હું ન હોઉં તે બને જ નહીં જરૂર આચાર્ય બનીશ.’’

કોઇક કારણસર મહાદેવજી પ્રગટરૂપે આ યજ્ઞ કરી શકયા નહીં એટલે તેમણે વારુણી મૂર્તિ ધારણ કરી યજ્ઞનાં મંડાણ કર્યાં. સ્વર્ગ, કૈલાસ, ઇન્દ્રલોક વગેરેમાં સમાચાર ફેલાઇ ગયા. ‘‘મોટો યજ્ઞ થઇ રહ્યો છે. દેવો પણ આવી રહ્યા છે. જોવા જેવું છે.’’ વાતો પ્રસરતાં જ કુતુહલતા પણ પ્રસરી ગઇ. દેવ પત્નીઓ, દેવાંગનાઓ, રત્નભૂષિત અલંકાર અને પુષ્પના શણગાર સહિત આવી. દેવકન્યાઓ પોતાનાં નૂતન યૌવનની મહેક અને રૂપની છટા સાથે ત્યાં આવી. પ૦ કરોડ અપ્સરાઓ પણ નીઠનીને આવી. સૌ યજ્ઞ જોવા લાગ્યાં.

આચાર્ય બનેલા બ્રહ્મા આ બધી રૂપકન્યાઓ જોઇ ભીંત ભૂલ્યા. તેમનું ચિત્ત ચલાયમાન થયું. યજ્ઞમાં આપવાની આહુતિ તેમના હાથમાં જ રહી ગઇ. રુદ્રે કહ્યું, ‘‘મહારાજ, આહુતિ’’

હંહં કહેતા બ્રહ્માજીએ પોતાનાં નેત્ર બધી રૂપાંગના પરથી હટાવી લીધાં. પરંતુ કામબાણ વાગી ગયાં હતાં. તેમનું ચિત્ત ચળી ગયું હતું. તેમનું તેજ નીકળી ગયું.બ્રહ્માજીએ જોયું કે આ તો અનર્થ થઇ ગયો. થવાનું હતું તે થઇ ગયું. તરત તેમણે તેમની તેજ શક્તિ કામે લગાવી દીધી. તેજ દ્રવ્યને આહુતિપાત્રમાં લઇ લીધી. પછી યજ્ઞનારાયણને આહુતિ આપી દીધી.

યજ્ઞનો અગ્નિ સતેજ બની ગયો. અગ્નિની એક પ્રચંડ શિખા પ્રગટી. તેમાંથી ત્રણ બાળક જન્મ્યાં. ભૃગુ, અંગિરા તથા કવિ આ ત્રણનાં જન્મે મોટો વિવાદ થયો. વારુણી મૂર્તિધારી શંકરે કહ્યું કે, ‘‘આ યજ્ઞ મેં કરાવ્યો છે તેથી આ બાળકો મારાં,’’ ‘‘ના મહારાજ’’ અગ્નિદેવે પ્રગટ થઇ કહ્યું, આ બાળકો મારાં, બ્રહ્માજીએ સત્ય વાત કહી દીધી. ‘‘દેવો, મારા તેજથી તેમની ઉત્પત્તિ થઇ છે તેથી આ બાળકો મારાં.’’

કોઇ કોઇનું માનતા ન હતાં. વાત વધી ગઇ. કેટલાક દેવો વચ્ચે પડ્યા. આખરે દેવોએ એ ત્રણ સંતાનો વહેંચી આપ્યાં.ભૃગુ મહાદેવને, અંગિરા, અગ્નિદેવને તથા કવિ બ્રહ્મદેવને આપ્યા. આમ ભૃગુને જન્મ થયો. ભૃગુ ઋષિ મહાતપસ્વી બન્યા. સપ્તર્ષિઓમાં તેમનું અનેરું સ્થાન છે. દક્ષ કન્યા ખ્યાતિના તે પતિ કહેવાયા. આ લગ્નથી તેમને ધાતા, વિધાતા નામના બે પુત્ર જન્મ્યા. શ્રી નામની એક પુત્રી જન્મી શ્રી એટલે મા મહાલક્ષ્મી સંપત્તિનાં તે દેવી.

મહાલક્ષ્મીનાં પતિ ભગવાન વિષ્ણુ થયા. ભગવાન શંકરે પોતાનાં પરમ શ્રેય માટે કરેલા યજ્ઞથી ભૃગુ, અંગિરા, કવિ, ધાતા, વિધાતા તથા શ્રી ઉત્પન્ન થયાં. અંગિરા ઋષિ પણ મહાવિદ્વાન હતા. કવિ બ્રહ્મદેવને પ્રાપ્ત થયા. માતા સરસ્વતીના ભાઇ બન્યા. કવિ અને સરસ્વતીની કૃપા હોય તો સર્વ જગત સંપત્તિહીન હોત. લોકો ચારેય તરફ મારામારી કરતા હોત. લૂંટફાટ પણ થતી હોત. ચારેય તરફ ભયંકર અંધકાર હોત.
• શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like