મહારાષ્ટ્રથી શાકભાજી લઈને આવેલાે ટ્રક ડ્રાઇવર લૂંટાયો

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન લૂંટના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. વટવાના રોપડાબ્રિજ નજીક દંપતીને રિવોલ્વર બતાવી રૂ.ત્રણ લાખની લૂંટ અને ભરચક વિસ્તાર એવા દરિયાપુરમાં સેન્ચુરી માર્કેટમાંથી રૂ.૧પ લાખની લૂંટની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં તો જમાલપુર શાકમાર્કેટમાં મહારાષ્ટ્રથી શાક લઇને આવેલ ટ્રક ડ્રાઇવરને છરી મારી રૂ.ર૦,૩૦૦ની લૂંટ કરવામાં આવી છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આરોપી યુવકને ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના અહમદનગર ખાતે રહેતાે યોગેશ સાેહેલ જાદવ (ઉં.વ.ર૬) ગઇ કાલે બપોરના સમયે ટ્રક લઇ જમાલપુર ખાતેે આવેલ શાકમાર્કેટમાં આવ્યો હતો. દુકાન નં.૬પ પાસે તેણે પોતાની ટ્રક ઊભી રાખી હતી.

તે દરમિયાનમાં નવઘણ ઉર્ફે ભ‌િજયો કાંતિલાલ ચુનારા (રહે. જમાલપુર) નામનો યુવક તેની પાસે આવ્યો હતો અને અચાનક જ યોગેશભાઇને હાથના ભાગે છરી મારી ખિસ્સામાંથી રૂ.ર૦,૩૦૦ કાઢી લીધા હતા. ભરબજારમાં છરી વડે હુમલો કરી લૂંટ થતાં યોગેશે બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. લોકોએ લૂંટ કરનાર નવઘણને ઝડપી લીધો હતો.

આ અંગે પોલીસને જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે અન્ય લૂંટ કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

You might also like