લાંચકાંડમાં મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ખડસેને લોકાયુક્તે ક્લીનચિટ આપી

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસેને રાજ્યના લોકાયુક્ત તરફથી મોટી રાહત મળી છે. મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેક્શન અને જમીન કૌભાંડના આરોપોના કારણે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારમાંથી રાજીનામું આપનાર એકનાથ ખડસેને લોકાયુક્ત તરફથી લાંચરુશવતકાંડમાં ક્લીન‌િચટ આપવામાં આવી છે.

ખડસે વિરુદ્ધ કરવામાં આ‍વેલી ફરિયાદને ફગાવી દઈને રાજ્યના લોકાયુક્ત જસ્ટિસ એમ.એલ. તહલિયાનીએ ખડસેને તેમના પીએ ગજાનન પાટીલ લાંચકાંડમાંથી દોષમુક્ત જાહેર કરીને ક્લીન‌િચટ આપી છે. લોકાયુક્તે આ અંગે પૂર્વ પ્રધાન ખડસે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદને પણ ફગાવી દેવામાં આવી છે. લોકાયુક્તે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે પીએ દ્વારા લાંચ માગવાના કિસ્સામાં પૂર્વ પ્રધાનની કોઈ ભૂમિકા નથી.

લાંચ કેસમાં ખડસેના પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પીએ ગજાનન પાટીલની એસીપીએ ગયા મહિને રાજ્ય સચિવાલયની બહાર ધરપકડ કરી હતી. મુંબઈના એક બિઝનેસમેન રમેશ જાધવે જમીન ફાળવણીના એક કેસમાં રૂ. ૩૦ કરોડની લાંચ માગવાના આરોપમાં એમની ધરપકડ કરવાની માગણી કરી હતી.

બિઝનેસમેન જાધવે લાંચકાંડમાં પૂર્વ પ્રધાન ખડસેનો હાથ હોવાનો આક્ષેપ કરીને તેની ફરિયાદ લોકાયુક્તમાં કરી હતી. રાજ્ય કેબિનેટમાંથી ખડસેના રાજીનામાના એક સપ્તાહ પૂર્વે ૨૭ મેના રોજ લોકાયુક્તે આ કેસની સુનાવણી કરી હતી.

You might also like