ઔરંગાબાદમાં કોમી હિંસાઃ બેનાં મોત, ૧૫ પોલીસ સહિત ૬૦થી વધુ ઘાયલ

ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ગઈ કાલે રાત્રે બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી, જેના પગલે જૂના શહેરમાં તંગદિલી ફેલાઈ હતી અને આ કોમી હિંસામાં બેનાં મોત થયાં છે અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત દુકાનો અને વાહનોને આગ લગાડવાની ઘટનાઓ પણ બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર નગર નિગમ દ્વારા પાણીનાં કનેક્શન કાપી નાખવાના મામલામાં દાખવવામાં આવતા ભેદભાવને લઈ ઝઘડો શરૂ થયો હતો. આમ, એક નાનકડા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરતાં બે સમુદાય વચ્ચે કોમી તંગદિલી ભડકી ઊઠી હતી.

તોફાનીઓએ કેટલીય દુકાનો અને વાહનોને આગ લગાવી હતી. હિંસક ટોળાંને કાબૂમાં લેવા પોલીસને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ટોળાં દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ૧૫ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ૫૦ જેટલાં વાહનો સળગાવી નાખવામાં આવ્યાં હતાં.

અહેવાલો અનુસાર આ હિંસામાં એક સગીરને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો અને તેને રાત્રે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હિંસાનું કારણ જોકે હજુ સ્પષ્ટપણે જાણવા મળ્યું નથી.

એક અહેવાલ અનુસાર જૂના શહેર વિસ્તારના રાજા બજારમાં શુક્રવારે રાત્રે એક દૂધના સ્ટોલ પર બંને પક્ષ વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થતાં તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને હિંસા ભડકી ઊઠી હતી. સમગ્ર શહેરમાં તોફાનીઓ અને પોલીસ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી.

શનિવારે સવારે પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવી શકી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં છે. પોલીસે તકેદારીનાં પગલાંરૂપે કલમ-૧૪૪નો અમલ શરૂ કરી દીધો છે. તેમ છતાં ઔરંગાબાદ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

You might also like