વર્ધાના આર્મી ડેપોમાં પ્રચંડ વિસ્ફોટઃ છનાં મોતઃ 11થી વધુ લોકો ઘાયલ

મુંબઇ: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાંવ ખાતે સોનેગાંવ અંબાજીમાં આવેલા આર્મીના સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો (સીએડી)માં આજે સવારે ૭-૩૦ વાગ્યાના સુમારે એક પ્રચંડ વિસ્ફોટ થતાં છ લોકોના મોત થયા છે અને ૧૧થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર આ આર્મી ડેપોમાં જ્યારે વિસ્ફોટકોને નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો.

વર્ધા જિલ્લાના પુલગાંવ ડેપોમાં બેકાર પડેલા વિસ્ફોટકો હટાવીને તેનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ જોરદાર વિસ્ફોટ થયો હતો. વર્ધાના કલેકટરના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સીએડીની બહાર થયો હોવાથી તેની આગ વધુ ફેલાવાની દહેશત નથી. આ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને કામે લગાવી દેવામાં આવી છે અને આ વિસ્ફોટની ઘટનામાં તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે.

આર્મી ડેપોમાં વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે તે કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી અને જાણે કોઇ મોટો બોમ્બમારો થયો હોય તેવી લોકોમાં દહેશત વ્યાપી ગઇ હતી. અધિકારીઓનું કહેવું છે કે હાલ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કે‌િન્દ્રત કરવામાં આવી રહ્યું છે.

વર્ધાથી આ આર્મી ડેપો લગભગ ૧૮ કિલોમીટર દૂર આવેલ છે કે જ્યાં જૂના વિસ્ફોટકોનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી હતી. ઘટનાસ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે આ ઘટનામાં કયાંક ને કયાંક વહીવટીતંત્રની બેદરકારી નજરે પડી રહી છે. વિસ્ફોટકો પર કેમિકલ છાંટીને તેને ઠંડા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

સ્થળ પર પહોંચેલા અધિકારીઓ અને બચાવ ટીમ સાથે સંકળાયેલા લોકો સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો આર્મી સેકટરનો સૌથી મોટો ડેપો છે.

અહેવાલો અનુુસાર જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સવારની શિફટમાં કામ કરનારા ૪૦ જેટલા લોકો ઘટનાસ્થળે હાજર હતા. આર્મીના પીઆરઓએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઘટના સવારે ૭-૩૦ કલાકે ઘટી હતી. ખેમરિયા, જબલપુરના કર્મચારીઓ દ્વારા જૂના વિસ્ફોટકોને નાશ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

મૃતકોમાં કેટલાક કોન્ટ્રાકટ પર કામ કરતા મજૂરોનો પણ સમાવેશ થાય છે. જબલપુર ઓર્ડિનન્સ ફેકટરીની એક ટીમને વિસ્ફોટકોનો નાશ કરવા માટે ખાસ બોલાવવામાં આવી હતી. મૃતકોમાં ઓર્ડિનન્સ ફેકટરી જબલપુરના એક કર્મચારીનો પણ સમાવેશ થાય છે.

વિસ્ફોટ થયા બાદ સ્થળ પર લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી. આર્મી ડેપોમાં વિસ્ફોટ થવાના કારણે જાનમાલની ભારે ખુવારી થવાની આશંકા છે. આ કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે, જોકે હવે સમગ્ર વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અંદર જવાની કોઇને મંજૂરી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા માટે આર્મીના હેલિકોપ્ટરને કામે લગાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૬માં પણ વર્ધાના આ ડેપોમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૧૭ લોકોના મૃત્યુ થયા હતા.

મૃતકોમાં ૧પ જવાનો અને બે અધિકારીઓનો સમાવેશ થતો હતો. આ અકસ્માત મોડી રાત્રે ડેપોમાં રાખવામાં આવેલ દારૂગોળામાં આગ લાગવાના કારણે થયો હતો, જેનાથી ભીષણ આગ ફેલાઇ હતી. દેશનો આ સૌથી મોટો આર્મીનો શસ્ત્રાગાર છે. અહીં વિવિધ પ્રકારના શસ્ત્રો, બોમ્બ અને અન્ય વિસ્ફોટકો રાખવામાં આવે છે. આ ડેપો ૭,૦૦૦ એકરમાં પથરાયેલ છે.

You might also like