મહંત સ્વામીઅે બાપાના વતન ચાણસદના ઘરની મુલાકાત લીધી

અમદાવાદ: અક્ષર નિવાસી વિશ્વ વંદનીય વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ ચાણસદ ગઇ કાલે શોકમગ્ન બની ગઇ હતી. બાપ્સના નવનિયુક્ત વડા મહંત સ્વામીએ ચાણસદમાં સ્થિત બાપાના ઘરની મુલાકાત લેતાં હરિ ભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

ગઇ કાલે સવારે બોચાસણથી પ૦ જેટલા બાઇક સવારો સાથે મહંત સ્વામી ચાણસદ આવવા રવાના થયા હતા. સવારે ૧૧-૩૦ વાગ્યે મહંત સ્વામી ચાણસદ ખાતે પહોંચ્યા હતા. ચાણસદ પહોંચ્યા બાદ મહંત સ્વામીએ સૌથી પહેલાં પ્રમુખ સ્વામી મહારાજના ઘરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને દંડવત્ પ્રણામ કર્યા હતા.

ત્યાર બાદ મહંત સ્વામી ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા. મંદિરના પ્રાંગણમાં હરિ ભક્તોએ ફુલોની વર્ષા કરીને મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીએ મંદિરમાં દર્શન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી હતી. જ્યાં સંતો અને હરિ ભક્તોએ મહંત સ્વામીનું ફુલનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહંત સ્વામી વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર જવા રવાના થયા હતા.

મહંત સ્વામીના સ્વાગત દરમિયાન જે ફુલની ચાદર પરથી તેઓ પસાર થયા હતા તેવા તેમના ચરણસ્પર્શ થયેલા ફુલ લેવા માટે હરિ ભક્તોએ પડાપડી કરી હતી. ત્યાર બાદ મહંત સ્વામી વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર જવા રવાના થયા હતા.

બાપ્સના વડા મહંત સ્વામી ગઇ કાલથી ચાર દિવસના વિચરણ અને જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા છે. પરંતુ તેમણે અટલાદરા મંદિર જતાં પહેલાં બાપાનાં જન્મસ્થળ ચાણસદની મુલાકાત લીધી હતી.

You might also like