મહામૃત્યુંજય મંત્ર

ભગવાન શિવનું એક નામ ભોળેનાથ પણ છે એનું કારણ છે કે તે બહુ ઝડપથી ભક્ત ઉપર પ્રસન્ન થઈ તેની મનોકામના પૂર્ણ કરે છે. મહાદેવના દરેક પાઠ, પૂજા અને મંત્રમાં ચમત્કારી શક્તિ છે. આજે અમે તમને ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર વિશે જણાવી રહ્યા છીએ, સાથે જ જણાવીશું વિવિધ સમસ્યાઓના સમાધાન માટે આ મંત્રનો કઈ રીતે ઉપયોગ કરવો.
મહામૃત્યુંજય મંત્ર:
।। ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।

સુખ-સમૃદ્ધિ માટે
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય કમજોર છે તો તેનાં જીવનમાં દુઃખ જ દુઃખ હોય છે. આ માટે તેણે મહામૃત્યુંજય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ, આ મંત્રના જાપથી તેનો જીવનમાં ભરપૂર ખુશીઓ આવશે.

સૂર્યને મજબૂત કરવા રવિવારના દિવસે તાંબાના લોટામાં જળ લઈ તેમાં ગોળ અને લાલ ચંદન મેળવી દેવું, ત્યાર બાદ શિવલિંગ ઉપર તે જળથી અભિષેક કરવો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આ પ્રયોગ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને ઘરમાં લક્ષ્મીની કૃપા રહેશે.

સંકટથી બચવા માટે
કેટલીક વાર જીવનમાં એવાં સંકટ આવે છે કે જીવનનો આનંદ નષ્ટ કરી દે છે, આવામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ ઉપયોગી સાબિત થાય છે. આ મંત્રનો જાપ કરતાં શિવજીને જાયફળ અર્પણ કરવાં, આમ કરવાથી આવેલું સંકટ દૂર થશે. ધ્યાન રાખવું કે મંત્રનું ઉચ્ચારણ સાચું કરવામાં આવે.

શત્રુઓના વિનાશ માટે
જો તમને શત્રુઓ હેરાન કરતાં હોય અથવા તમે તેમનાથી બચવા માગો છો તો મહામૃત્યુંજય મંત્ર તમારા માટે લાભકારક છે. શત્રુઓથી બચવા માટે દરેક શનિવારે બદામ તેલ અને જૈતુન તેલમાં ગુલાબ અને ચંદન, અત્તર મેળવીને ચોમુખી દીવો શિવ મંદિરમાં પ્રગટાવવો સાથે જ લોખંડ અને સ્ટીલના વાસણમાં સરસવનું તેલ ભરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતાં આ તેલ શિવલિંગ ઉપર ચઢાવવું, આમ કરવાથી માનસિક કષ્ટો દૂર થાય છે. આ ઉપાય દરેક શનિવારે કરવાથી શત્રુઓનો નાશ થાય છે, વેપારમાં અથવા નોકરીમાં પ્રગતિ થાય છે અને ધનધાન્યની વૃદ્ધિ થાય છે.

રોગ મુક્ત થવા માટે
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી કોઈ રોગ હેરાન કરે છે તો તેને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાની સલાહ આપવી. રોગોથી મુક્તિ મેળવવા પારાના શિવલિંગ ઉપર રોજ સવા કલાક સુધી જળાભિષેક કરવો, જળાભિષેક દરમિયાન સતત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો, ત્યાર બાદ અભિષેક કરેલા જળમાંથી થોડું જળ રોજ રોગીને પીવડાવવું. આ ઉપાય કરવાથી મોટામાં મોટી બીમારીમાંથી પણ રાહત મેળે છે.

સંતાન પ્રાપ્તિ થવા માટે
જે પતિ-પત્નીને સંતાન ન હોય તેમને આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય દર મંગળવારે કરવાનો હોય છે. તાંબાના વાસણમાં જળ લેવું, તેમાં ગોળ મેળવીને લાલ ફૂલ પધરાવવાં. ત્યાર બાદ મહામૃત્યુંજય મંત્રો જાપ કરતાં શિવલિંગ ઉપર તે જળનો અભિષેક કરવો, આ ઉપાય કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. જેમનું આરોગ્ય સારું નથી રહેતું તેમણે પણ આ ઉપાય કરવો જોઈએ.

ઘરમાં સુખ શાંતિ માટે
જે પતિ પત્ની વચ્ચે હંમેશાં ઝઘડો થાય છે તેમણે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ બધાં પ્રકારના ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિને સંતાનની ઇચ્છા હોય તો તેણે પણ આ ઉપાય કરવો જોઈએ. દરેક ગુરુવારે કાંસાના અથવા પિત્તળનાં વાસણમાં જળ લઈને તેમાં હળદર મેળવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા આ જળનો અભિષેક શિવલિંગ ઉપર કરવો.

જલદી વિવાહ માટે
જો વિવાહ નથી થઈ રહ્યા અથવા વારંવાર બાધા આવી રહી છે તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. દર શુક્રવારે ચાંદી અથવા સ્ટીલનાં વાસણમાં જળ, દૂધ, દહીં, ઘી, મિશ્રી, સાકર વગેરે મેળવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતાં આ જળથી શિવલિંગ ઉપર અભિષેક કરવો, આ ઉપાય કરવાથી વિવાહમાં આવતી બધી બાધાઓ દૂર થાય છે.

ધન લાભ માટે
ધન પ્રાપ્ત કરવા, વેપાર અતવા આવકમાં વૃદ્ધિ કરવા માટે પણ મહામૃત્યુંજય મંત્ર લાભદાયક છે. આ માટે દરેક બુધવારે અહીં જણાવવામાં આવેલો ઉપાય કરવો. કાંસાના વાસણમાં જળ લઈ તેમાં દહીં, સાકર અને ઘી મેળવીને શિવલિંગ ઉપર અભિષેક કરવું. આ ઉપાય કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે, વેપારમાં સારો લાભ મળે છે સાથે જ ઘરના બાળકોને શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત થાય છે, તેમની બુદ્ધિ તીવ્ર થાય છે અને અભ્યાસમાં તેમનું મન લાગે છે. •

You might also like