મહામંત્રથી વાસના નિર્મૂળ થઈ ગઈ

લોકમાં એમ કહેવાય છે કે, દીકરીમાં સંસ્કાર હોય તો તે બે કુટુંબને તારે છે. એક પોતાનાં માતા પિતાના ઘરમાં સંસ્કારની જ્યોત જલાવે છે અને બીજી પોતે જ્યાં લગ્ન કરીને સાસરિયાંમાં જાય છે ત્યાં પણ આ જ્યોત જલાવી રાખીને અનેકનાં જીવનમાં પ્રકાશ પૂંજ પાથરે છે. આ શબ્દોને સાકાર કરતો આ પ્રસંગ છે.
કાશીના રાજા અનોપસિંહનાં લગ્ન ઈડર રાજાનાં દીકરી સાથે થયાં. તે દીકરી પોતાના પિતાના ઘેરથી કરિયાવરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંસ્કાર લઈને આવ્યાં હતાં. સમયનાં વહનની સાથે એમને ત્યાં પારણું બંધાયું. એક કુંવરીનો જન્મ થયો, જે મોટી થતાં ખૂબ રૂપવાન અને ગુણવાન બની.
એક દિવસની વાત છે. રાજા ત્રણ ચાર સાથીદારો સાથે જંગલમાં શિકાર કરવા ગયા. શિકાર કરતાં કરતાં તેઓ એક અંગરક્ષક સાથે અલગ પડી ગયા.

જંગલમાં સાવજનો શિકાર કરવા માટે તેમણે બંદૂક ચલાવી એટલે સાવજે ક્રોધે ભરાઈને રાજાને મારવા માટે તરાપ લગાવી. પરંતુ સાથે જે અંગરક્ષક હતો તેને વનરાજને વીંધી નાંખ્યો. રાજાની ભગવાનની કૃપા થકી રક્ષા થઈ.
પોતાના જાનની રક્ષા કરવાથી રાજી થયેલા રાજાએ અંગરક્ષકને કંઈક માગવાનું કહ્યું. આ યુવાને રાજાની રાજકુંવરીનો હાથ માગ્યો.

રાજા આ સાંભળીને હેબતાઈ ગયા. અંગરક્ષકે શું માગી લીધું? દીકરીને કેવી રીતે આની સાથે પરણાવવી! રાજા મૂંઝાઈ ગયા. પરંતુ કુંવરીમાં પોતાની માતાના સંસ્કારો આવ્યા હતા. તેણે તરત જ અંગરક્ષકને કહ્યું કે, “હું આપની સાથે લગ્ન કરવા તૈયાર છું, પરંતુ તમારે મારી એક શરત માન્ય રાખવી પડશે. તમને એક ઓરડામાં તમામ સગવડ આપવામાં આવશે.

ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ બેસીને હાથમાં માળા લઈ છ માસ સુધી ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…’ મંત્રનો અખંડ જાપ કરવાનો. ત્યાંથી તમારે બહાર પણ નીકળવાનું નહીં.” અંગરક્ષકને કુંવરી સાથે લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી શરત મુજબ તે મૂર્તિ આગળ બેઠો અને ‘સ્વામિનારાયણ…’ મહામંત્રનું રટણ કરવાનું ચાલુ કર્યું.

છ માસની વાત તો એક બાજુએ રહી પરંતુ ચાર માસમાં જ અંગરક્ષકની અનાદિની વાસના બળી ગઈ. નિર્મળ ને નિર્વાસનિક બનેલા આ અંગરક્ષકે બહાર આવી રાજાને વાત કરી કે, “મારે તમારી કુંવરી સાથે લગ્ન કરવાં નથી. સંસારનાં સુખ તો ઝેર સમાન છે.” અંગરક્ષકે સંસારનો મળવત્ ત્યાગ કરી શ્રીહરિની ભગવી ચૂંદડી ઓઢી અખંડ ભગવદ્ સ્મરણ કરવાનો માર્ગ અપનાવ્યો. તેથી જ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કહે છે કે, સ્વામિનારાયણ મહામંત્રનો કેટલો મહિમા ગાવો.
‘મુક્તાનંદ કહે, મહિમા અતિ ઘણો;
તેને એક મુખે રે, કવિ કેટલોક ગાય…’
કુમકુમ મંદિર, મણિનગર

You might also like