શ્રી યંત્ર મહાલક્ષ્મીનું સાક્ષાત્ સ્વરૂપ

મુનિ મંત્રેશ્વરના મહાગ્રંથ ચમત્કાર ચિંતામણિમાં લખ્યું છે કે મનુષ્ય દેહમાં લલાટે લક્ષ્મી અને મસ્તકે સરસ્વતી બિરાજે છે અર્થાત્ લક્ષ્મીનો સંબંધ ભાગ્ય સાથે અને સરસ્વતીનો બુદ્ધિ સાથે છે.
મનુષ્ય નસીબદાર હોય પરંતુ બુદ્ધિહીન હોય અને જે બુદ્ધિશાળી હોય તે ધનવાન હોતો નથી. સરસ્વતીની કૃપા સાથે મા લક્ષ્મીની કૃપા મેળવવા ધનતેરસના પવિત્ર દિને શ્રીયંત્રની પૂજા કરી ધનવાન બનવાની વાત અને વિધિ અહીં પ્રસ્તુત છે.
જનકલ્યાણની ભાવનાથી પ્રેરાઇને પ્રધુમ્નની માતા રુકિમણીએ લક્ષ્મીને પૂછ્યું કે તમે કેવા મનુષ્ય પાસે નિવાસ કરો છો, તેના જવાબમાં લક્ષ્મીજીએ કહ્યું કે જે વ્યક્તિ કાર્યકુશળ હોય, મિતભાષી, કતજ્ઞ, જિતેન્દ્રિય, ઉદાર ને ક્રોધ વિનાની હોય તેના ઘરમાં હું નિવાસ કરું છું. જે સ્ત્રીઓ પતિની સેવા કરે છે, જેનામાં ક્ષમા, સત્ય, ઇન્દ્રિય સંયમ, સરળતા વગેરે સદ્ગુણ હોય, જે દેવોમાં શ્રદ્ધા રાખે છે, જેનામાં બધા પ્રકારનાં શુભ લક્ષણ હોય તેમની નજીક હું રહું છું. જેના ઘરમાં પૂજા-હવન અને ગૌસેવા થતી હોય તેનું ઘર હું કદી ત્યજતી નથી.માર્કન્ડેય પુરાણ અનુસાર જેનાં વસ્ત્ર અને દાંત ગંદા હોય, જે બહુ જ ખા ખા કરતી હોય, કારણ વિના ભાષણ આપતી હોય, જે સંઘ્યાકાળે શયન કરતી હોય તેવી વ્યક્તિ સ્વયં ભગવાન વિષ્ણુ હોય તો પણ લક્ષ્મી તેનો ત્યાગ કરે છે.
જ્યોતિષ અનુસાર બીજાનું અન્ન, વસ્ત્ર, વાહન, સ્ત્રી, ઘર ભોગવે તેવો જાતક શ્રી ઇન્દ્રિની સંપત્તિનું પણ હરણ કરી લે છે. માનસાગરી ગ્રંથમાં વર્ણન છે કે ચોરી, દુર્વ્યસન, અપવિત્રતા અને અશાંતિને લક્ષ્મી ધુત્કારે છે ને આવાં કારણોને લઇ લક્ષ્મીજીએ પોતાના ભકત બલિને ત્યજેલો. જ્યોતિષ અનુસાર ઐશ્વર્યની પ્રાપ્તિ માટે પૂર્વાભિમુખ બેસી પૂજન કરવું. શ્રીયંત્રની પૂજા, પ્રાણપ્રતિષ્ઠા અગર નિર્માણ પોષ માસની સંક્રાંતિના દિવસે, રવિવારે આઠમ હોય, રવિવારે પુષ્ય નક્ષત્ર હોય, ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય, અગર નવરાત્રિના નવ દિવસ અથવા ધનતેરશના દિવસે અભિભૂત કરી શકાય છે. શ્રીયંત્રની રચનામાં કાચનો ઉપયોગ કરવો નહીં. બ્રહ્માંડમાં ફરી રહેલાં સમૃદ્ધ કિરણો અને શકિતશાળી ઊર્જાને શ્રીયંત્ર પોતાના તરફ આકર્ષે છે. પરિણામે ઘરમાં ઇશાન ખૂણામાં સ્થાપના કરેલા શ્રીયંત્રનાં રોજ પ્રાત:કાળે દર્શન કરવાથી વ્યક્તિ તેજસ્વી, ધનિક, સંપત્તિવાન બને છે અને તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
શ્રીયંત્રની રચના પૂજા અને વિધિ માટે શાસ્ત્રોમાં પંચોપચાર પૂજન વિધિ બતાવી છે. પાંચ પૂજામાં શ્રીયંત્રને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધનું પૂજન કરવું તેમ જણાવ્યું છે. શ્રીયંત્રની પૂજા બાદ તરત જ શ્રી સૂક્તમના ઓછામાં ઓછા પાંચ પાઠ કરવા.
શ્રી સૂક્તમના પાઠ કરતાં પહેલાં નીચે જણાવેલા સંપુટના ઉચ્ચારણ બાદ જ શ્રી સૂક્તમના પાઠ કરવા.
સંપુટ: ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં
શ્રીં ૐ મહાલક્ષ્મૈ નમ:
૧૦૮ મણકાની માળા કરતાં પહેલાં દરેક માળા પહેલાં ઉપરોકત સંપુટનું ઉચ્ચારણ કરી શ્રી સૂકતમના પાઠ કરવાથી જાતક અવશ્ય સંપત્તિવાન બને છે. શ્રી સૂકતમના પાંચ પાઠ કર્યા બાદ પ્રસાદનો નૈવેધ સ્વરૂપ ઉપયોગ કરવો.
આરતી શ્રીયંત્રના નીચેના ભાગમાં પ્રથમ કરવી. પછી બે વાર મઘ્યમાં અને એક વાર ઉપરના ભાગમાં કરવી. પછી સાત વાર સંપૂર્ણ યંત્રની આજુબાજુ આરતીની થાળી ઉતારવી. આરતી પૂર્ણ થયા બાદ નીચે પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી.
શ્રીયંત્રને પ્રાત:કાળે નિત્ય જળથી સ્નાન કરાવવું. તેના પર ચંદન, કંકુના ચાંલ્લા કરી દીવો, ધૂપ કરી દર્શન કરીને પ્રસ્થાન કરવું.
શ્રીયંત્રમાં દસ વિદ્યાઓનો સમાવેશ થયેલો છે. ભોજપત્ર, તાંબું, સ્ફટિક, ચાંદી, સોનામાં બનાવેલ શ્રીયંત્રને પૂજામાં રાખી નિત્ય દર્શન કરનાર ધન, સંપત્તિ, માન, સન્માન મેળવે છે. તમામ યંત્રોમાં શ્રીયંત્ર રાજા સમાન ગણાય છે. •
http://sambhaavnews.com/

You might also like