વેલ્લુરનું શ્રી મહાલક્ષ્મી મંદિર

શ્રીપુરમમાં સવારે સવા ચાર વાગે સૌપ્રથમ ગણેશ પૂજા માટે પુરોહિ‌તો અને શ્રદ્ધાળુઓની શોભાયાત્રા તે કળશ માટે તારા(સ્ટાર્સ)ના આકારમાં બનેલા દોઢ કિલોમીટર લાંબા પરિક્રમા પથ પર પ્રગટ થાય છે. સૌથી આગળ તમિલ વાદ્યયંત્ર નાદસ્વરમ્ અને તમિલના મંગળ ધ્વનિ વગાડતા વાદક કલાકાર. દૂધ, ચંદન અને કુમકુમથી દેવીનો અભિષેક થાય છે. દરરોજ પહેલાં કરતાં વધારે ભવ્ય શૃંગાર. એક કલાક સુધી ૨૭ પ્રકારની અલંકાર આરતી. બરાબર આઠ વાગ્યાથી દર્શનનો શુભારંભ થાય.

બપોરે અને સાંજે અલગ અલગ નૈવેદ્ય. સાંજે ફરી મહાઆરતી. રાત્રે અમ્માના શયનની તૈયારી. અલંકાર વિના અંતિમ આરતી સાથે જ દિવસનું સમાપન. પૃષ્ઠભૂમિમાં ૧૨ કલાક સુધી સતત ગૂંજતા ૬૦ પુરોહિ‌તોના વેદ પારાયણના સામૂહિ‌ક સ્વર. દરરોજની આ અનુશાસિત દિનચર્યામાં દર પૂર્ણિમાએ હવન અને દિવાળીની રાત્રે ૧૦,૦૦૮ દીવાના ઝગમગાટ સાથે વાતાવરણ અદ્ભુત અને આધ્યાત્મિક બની જાય છે.
કાંચિપુરમ, મદુરાઈ, શ્રીરંગમ, તાંજાવુરમ્, રામેશ્વરમ્ અને કન્યાકુમારીના હજારો વર્ષ જૂના વિશ્વપ્રસિદ્ધ મંદિરોના આ માયાવી જગતમાં આ સૌપ્રથમ ભવ્ય અને સૌથી નવો અધ્યાય છે. માત્ર પાંચ વર્ષ જૂનું છે આ મંદિર. ૭૦૦ ધાતુ વિશેષજ્ઞ શિલ્પીઓએ આ મંદિરનું સાત વર્ષની મહેનતને અંતે નિર્માણ કર્યું છે. ત્રણ તરફ સરોવર છે.

પપ૦૦ ચોરસ ફૂટમાં લગભગ ૪૦ ફૂટ ઊંચાઈમાં અંદર બહાર સોનાના ૧૨ ઢોળ પર બારિક નકશીકામ. ગર્ભગૃહમાં કાળા ગ્રેનાઈટની પાંચ ફૂટ ઊંચી લક્ષ્મીજીની પ્રતિમા બિરાજમાન છે જે ખૂબ જ આકર્ષક છે. સવારથી રાત સુધી ૩૦ હજાર શ્રદ્ધાળુઓની ચહલપહલ. લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનું નિર્માણ. ઓગસ્ટ-૨૦૦૭માં મંદિરના દરવાજા પહેલી વાર ખૂલ્યા તો ઉજ્જડ પહાડોથી ઘેરાયેલા પછાત જિલ્લાની જનતા આશ્ચર્ય સાથે ચોંકી ગઈ હતી. પછીથી આ મંદિર આ વિસ્તાર માટે સાક્ષાત્ લક્ષ્મીનું વરદાન સાબિત થયું છે.

૧૯૯૨માં સ્થપાયેલું આ મંદિર – નારાયણી પીઠમ્ અંતર્ગત સંચાલિત સ્કૂલ, નર્સિંગ અને મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને પર્યાવરણની એક ડઝનથી વધુ પરિયોજનાઓનું સૌથી શક્તિશાળી કેન્દ્ર બની ગયું છે. અહીં ત્રણ હજારથી વધુ લોકોને સીધો રોજગાર મળે છે. એરફોર્સની નોકરી છોડીને ૨૦૦૨માં સેવા માટે આવેલા ૪૯ વર્ષી‍ય ઈલેક્ટ્રોનિક એન્જિનયર બી. ભાસ્કર જણાવે છે કે ‘ધર્મની શક્તિને સમાજનાં હિ‌તમાં સક્રિય કરવાનો આ ચમત્કારિક પ્રયોગ એપીજે અબ્દુલ કલામથી લઈને નરેન્દ્ર મોદી સુધીના લોકોને પસંદ આવે છે. મોદી એક વાર અને કલામ બે વાર આ કાર્યોને જોઈને ગયા છે.’

ગૌશાળામાં ભારતીય ગાયોની ૧૨ પ્રજાતિનું સંવર્ધન થાય છે. હરિયાળીના એક વર્ષના પ્રયોગોએ બે જિલ્લા-તિરુનામલાઈ અને વેલ્લુરની બંજર જમીનની કાયાપલટ કરી નાખી છે. સાત વર્ષમાં રોપવામાં આવેલા છ લાખ છોડમાંથી ૯૦ ટકા વૃક્ષોનો આકાર લઈ ચૂક્યા છે. ડેન્માર્કના પેથોલોજિસ્ટ હેનરિક શોડ્રિક ઈન્ટરનેટ પર શ્રીપુરમ્ વિશે વાંચીને આવ્યા છે. તેમણે કહ્યું કે ‘અહીંની દરેક બાબત ચોંકાવી દે તેવી છે. પરંતુ મંદિરમાં આવીને મારી રુચિ તો દેવી લક્ષ્મીજી વિશે જ વધુ જાણવામાં છે.’ તમિલનાડુ આવનારા પ્રવાસીઓ માટે શ્રીપુરમ દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું સૌથી મોટું અને તાજેતરનું પ્રમાણ છે.

http://sambhaavnews.com/

You might also like