મહાભારતનું યુદ્ધ ખેલાયું તે કુરુક્ષેત્રનું માહાત્મ્ય

કુરુક્ષેત્રનો એક પરંપરાગત પ્રાચીન તીર્થધામ તરીકે ઉલ્લેખ છે, એના ઐતિહાસિક મહત્વનો પણ નિર્દેશ કર્યો છે. એ શ્લોક વાંચતાં કે સાંભળતાવેંત જ દૃષ્ટિપટ આગળ રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનું ચિત્ર ખડું થાય છે. કૌરવો અને પાંડવોની, યુદ્ધ માટે તૈયાર થઈને ઊભેલી સેનાઓની વચ્ચે ધનુર્ધારી અર્જુનનો રથ ભગવાને એના પોતાના કહેવાથી ઊભો રાખ્યો. અર્જુને બંને સેના પર નજર નાખી, અને એનું મન યુદ્ધ વિશે ઉપરામ બની ગયું. ત્યાં ભેગા થયેલા મિત્રો, સ્વજનો તથા પૂજ્યજનોને જોઈને, લાગણીવશ બનીને, એણે યુદ્ધ નહિ કરવાનો વિચાર રજૂ કરીને, ગાંડીવ મૂકી દીધું, ને રથમાં બેસી ગયો.
અર્જુન તો હતોત્સાહ બની ગયો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એમ હતોત્સાહ બને તેવા ક્યાં હતા ? અર્જુનને કર્તવ્યાભિમુખ કરવા માટે, એના એકાએક ઉત્પન્ન થયેલા મોહને ખંખેરી નાખવાના ઉદ્દેશથી, ભગવાને જ્ઞાનની પતિતપાવની ગંગા વહેતી કરી.
એ ગીતાબોધને પરિણામે અર્જુનનો મોહ મટી ગયો. કુરુક્ષેત્ર નામ સાંભળતાં અને એની ભૂમિ પર પગ મૂકતાં એ આખોય ઈતિહાસ આપણી આંખ આગળ તાજો થાય છે, અને વીતી ગયેલા કાળની નાનીમોટી કેટલીય કડીઓ, એક પછી એક, તાદૃશ્ય થાય છે. કુરુક્ષેત્ર અત્યંત પ્રાચીન તીર્થસ્થાન છે એ સાચું, પરંતુ ભારતવર્ષની મોટા ભાગની જનતા તો એને ‘ગીતાના અલૌકિક અક્ષરામૃતની અવતારભૂમિ’ તરીકે જ ઓળખે છે; અને એની મહત્તા એને મન એ દૃષ્ટિએ જ વધારે છે. વરસોથી એવી રીતે સંદેશાવાહક ભગવાન શ્રીકૃષ્ણની સાથે કુરુક્ષેત્ર નામ સંકળાયેલું હોવાથી એના મહિમા ને ગૌરવમાં તથા એની લોકપ્રિયતામાં વધારો થયો છે. અર્જુનની પેઠે કર્તવ્યવિમુખ થયેલા, મોહગ્રસ્ત માનવોને મોહમાંથી મુક્તિ આપી, નવો પ્રકાશ પૂરો પાડી, ફરી કર્તવ્યપરાયણ બનવાની શક્તિ એ ધરાવે છે અને એને માટેનો સંદેશ પૂરો પાડે છે. કુરુક્ષેત્રની યાત્રાની સફળતા, એ સંદેશને ઝીલીને જીવનમાં નવું બળ પેદા કરવામાં અને પોતાની કાયાપલટ કરવામાં રહેલી છે, એનું સ્મરણ આ તીર્થધામમાં પ્રવેશ કરતી વખતે થયા વિના નથી રહેતું.
દિલ્હીથી અમૃતસર જતી રેલ્વેમાં રસ્તામાં કુરુક્ષેત્ર સ્ટેશન આવે છે. સ્ટેશન એકંદરે નાનું છે, પરંતુ બહુ મહત્વનું છે. સૂર્યગ્રહણના અવસર પર કુરુક્ષેત્રમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે, તે વખતે કુરુક્ષેત્રની રોનક ફરી જાય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વેળાના સ્નાનનો ને સત્કર્મનો મહિમા મોટો મનાતો હોવાથી, એ વિશેષ અવસર પર ત્યાં મોટો મેળો ભરાય છે. ધર્મપ્રેમી લોકો એ વખતે ત્યાં હજારોની સંખ્યામાં ઊમટી પડીને સ્નાનપાન, પાઠપૂજા, દેવદર્શન, દાન તથા મંત્રાનુષ્ઠાન કરે છે. સૂર્યગ્રહણના ખાસ સ્નાન માટે આજુબાજુના વિસ્તારના લોકો તો આવે જ છે, પરંતુ દૂરદૂરના પ્રદેશની પ્રજા પણ આવી પહોંચે છે. સોમવતી અમાસના સ્નાન માટે પણ લોકો ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે.
જ્યોતિસર : ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જ્યાં ગીતાનો ઉપદેશ આપેલો એ સ્થળનું દર્શન કરીને પ્રત્યેક પ્રવાસીને આનંદ થાય છે. એ સ્થળ આજના કુરુક્ષેત્ર સ્ટેશનથી લગભગ પાંચ માઈલ દૂર પેહેવા જતા પાકા રસ્તા પર આવેલું છે.
સરસ્વતી નદીના તટ પર આવેલું એ સ્થળ જૂના વખતથી જ્યોતિસર નામે ઓળખાય છે. તે સ્વાભાવિક રીતે જ ઘણું મંગલ મનાય છે. થાનેસર શહેરથી એ સ્થળ ત્રણેક માઈલ દૂર છે. ત્યાં, ભગવાન શ્રીકૃષ્ણના સદુપદેશનો સનાતન સાક્ષી બનીને સરસ્વતી નદીનો એ પ્રાચીન નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. બાકી તો, ત્યાં એક પ્રાચીન સરોવર છે અને પાસે કેટલાંક જૂનાં વડનાં વૃક્ષો છે. એમાંનો એક વડ ‘અક્ષય
વટવૃક્ષ’ કહેવાય છે. બાજુમાં એક શિવમંદિર તૂટીફૂટી અવસ્થામાં જોઈ શકાય છે. •

You might also like