રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં કેવાં સ્પંદનો ઊઠતાં હતાં? આવો, સાવ મોડું થઈ જાય એ પહેલાં મૂળ તરફ પાછા ફરીએ.

લોકમાન્ય તિલકે મહાભારતનો મહિમા આમ કહીને ગાયો છે, બે હજાર વર્ષથી મહાભારતના આધારે દેશના બધા પ્રાંતના કવિ, પુરાણી, કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય, કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે. કાલિદાસ જેવા કવિઓએ કથાનકોને મહાભારતમાંથી લીધાં છે.

મહાભારત હિમાલયથી કન્યાકુમારી સુધી અને સિંધુથી બ્રહ્મપુત્રા સુધીના પ્રાચીનકાળના છપ્પને દેશમાં બાલવૃદ્ધ સૌને એકસરખું પ્રિય છે. રામાયણ કરતા મહાભારતની રાષ્ટ્રિય યોગ્યતા વધારે છે. કારણ કે રોજબરોજના લોકવ્યવહારમાં જે સુખદુખનો અનુભવ કરવો પડે છે તે બધી બાબતોનું મહાભારતમાં યથાર્થ વર્ણન સમાયેલું છે. તેમાં દરેક પ્રસંગે ધર્મ અને નીતિનો વિચાર કરીને વ્યવહાર કેવી રીતે કરવો તેની શિખ છે. એટલે મહાભારતને પાંચમો વેદ પણ કહે છે. વ્યાસે સ્વયં કહ્યું છે કે જે આમાં છે તે જ બધાં સંસ્કૃત સાહિત્યમાં છે અને જે આમાં નથી તે ક્યાંય નથી.

મહાભારતનો થઈ શકે એટલો પ્રચાર કરવો જોઈએ. પહેલાં મહાભારતની કથાનું ગાન થતું ત્યારે દરેકના હૃદયમાં પૂર્વજોનું ગૌરવ પણ ટકી રહેતું હતું જે આજે લુપ્તપ્રાય થતું જાય છે. ગંગા યમુના તરફના પ્રદેશમાં રામાયણનો પ્રચાર ઘેર ઘેર થઈ ગયો છે એમ મહાભારતની કથાનો પ્રચાર પણ ઘેર ઘેર થઈ જવો જોઈએ. દેશની ઉન્નતિ માટે આનાથી સુગમ ઉપાય બીજો એકેય નથી.

આજ મુદ્દા ઉપર ભિક્ષુ અખંડાનંદે તો રાષ્ટ્રસેવકોનો પણ વ્યંગની ભાષામાં ઊધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે સમાજ સુધારકો અને રાષ્ટ્રસેવકોની પણ હજુ સુધી એટલી ઊંડી ગતિમતિ જણાતી નથી, તો પછી બીજાની તો વાત જ શી? તેઓ પોતાનાં ચરિત્રો અને ગુણગાનોની મોહ મમતા ત્યજી દઈને મહાભારતના પૂર્વજોનાં ગુણચરિત્રો ગવરાવવાનું, ગોટપિટિયા ભણતર ભણ્યા વગરના કથાકારોને વધાવવાનું કામ કરે તો તો પોતાના હાથે જ પોતાને તેમનાં કરતાં ઝાંખાં દેખાડવાનું થાય. દેશ કાલે ડૂબતો હોય તો આજ ભલે ડૂબે પણ તેઓ એમ કંઈ પોતાની લોકપૂજા વધારવાનું મૂકે ખરા?

મહાભારતમાં શૌર્યનું એક ઉદાહરણ લઈએ. પિતામહ ભીષ્મ પિતાની પ્રસન્નતા ખાતર આજીવન અપિરિણીત રહે છે, રાજગાદીના હક્કોનો ત્યાગ કરે છે, એકસોપચીસ વર્ષની વયે પણ એવું પ્રબળ યુદ્ધ કરે છે કે પાંડવ સેનાના છક્કા છૂટી જાય છે. સ્ત્રીને ધર્મશાસ્ત્રે અવધ્ય કહેલી હોવાથી અને શિખંડીનો ચહેરો સ્ત્રી જેવો હોવાથી તેને મારવાને બદલે તેના હાથે મરવાનું પસંદ કરે છે.

મહિનાઓ સુધી બાણશય્યા પર પડ્‌યા રહે છે છતાં દુખનો એક હરફ પણ એમણે ઉચ્ચાર્યો નથી અને પ્રાણ પણ સ્વેચ્છાએ ત્યજ્યા. આવું શૌર્યવાન પાત્ર બીજે ક્યાં મળવાનું હતું?

મહાભારત ગ્રંથને ઘરમાં ન રાખવો કે તેની કથા ન કરવી એવો વિચાર સમાજમાં કેમ ફેલાયો અને કેમ પ્રબળ બન્યો? એનો એક જવાબ તો એ હોઈ શકે કે આપણા તમામ ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને તે સામાન્ય લોકોની સમજની બહાર છે. મહાભારત ગ્રંથ પણ મૂળ સંસ્કૃતમાં લખાયેલો છે. પરંતુ તેનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને પઠન કરતા જનસામાન્ય પણ ધર્મનાં ગૂઢ તત્વને સમજી શકે છે. પાખંડ એટલી હદે ફેલાયું કે ગૂઢ ધર્મતત્વનો ઉપયોગ તેમના અધિકારીઓએ પોતાની મરજી પ્રમાણે લોકોને ધર્મના ભય હેઠળ રાખવામાં કર્યો. જો સ્થાનિક ભાષામાં મહાભારત લોકો વાંચે-સાંભળે તો તો તેમનો પાખંડ ઉઘાડો જ પડી જાય. એટલે તેમણે ધર્મની દુહાઈ દઈને મહાભારતની કથા વાંચવી કે સાંભળવી વર્જિત ગણાવી. એટલું જ નહીં મહાભારત ગ્રંથને ઘરમાં રાખવો અનિષ્ટકર ગણાવ્યો. અંગ્રેજ શાસનમાં અંગ્રેજોએ કપટ આચરીને પણ લોકો ભારતીય પરંપરાઓથી વિમુખ બને તે માટે આવો પ્રપંચ આદર્યો હતો.•

You might also like