તુર્કી-ગ્રીસના સમુદ્ર કાંઠે ભૂકંપ બાદ સુનામીઃ બેનાં મોત, અનેક ઘાયલ

એથેન્સ: મોડી રાત્રે તુર્કી અને ગ્રીસની જમીન ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઊઠી હતી. તુર્કી અને ગ્રીસના સમુદ્ર કાંઠે આવેલા ૬.૭ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપમાં બેનાં મોત થયાં છે અને ૧૨૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ શહેરમાં સુનામીના પણ સમાચાર છે. ભૂકંપના કારણે અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૭ માપવામાં આવી હતી.

અહેવાલો અનુસાર આ ભૂકંપ એગીન સમુદ્રના કિનારે આવેલ તુર્કી અને ગ્રીસના જાણીતાં પ્રવાસન સ્થળે આવ્યાં છે. આ પ્રવાસન સ્થળ બ્રિટિશ પ્રવાસીઓમાં ઘણું મશહુર છે. યુનાઈટેડ સ્ટેટ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું એપી સેન્ટર જમીનથી માત્ર ૧૦ કિ.મી. નીચે મુગલા પ્રાંતમાં દક્ષિણ પશ્ચિમની સમુદ્ર કાંઠાના શહેરમાં હતું.

ભૂકંપને કારણે ગભરાયેલા લોકો સુરક્ષિત સ્થળોએ જવા માટે ભાગતા નજરે પડ્યા હતા. લોકો ગભરાટના માર્યા પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને રસ્તા પર ભાગતા નજરે પડતા હતા. કેઓએસના મેયર જ્યોર્જ કાયરિટિસના જણાવ્યા અનુસાર ભૂકંપમાં કેટલાક લોકો જખમી થયાના પણ સમાચાર છે. સ્થાનિક વહીવટી તંત્રએ ભૂકંપ બાદ સુનામી આવી હોવાનું પણ જણાવ્યું હતું.

જે વખતે ભૂકંપ આવ્યો હતો ત્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા. ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ડરના માર્યા બ્લેન્કેટ અને રજાઈ સાથે લઈને પોતાનાં ઘરમાંથી રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ બાદ સમુદ્ર કિનારે સુનામીની લહેરો ઊછળી હોવાના પણ સમાચાર છે. જોકે ભૂકંપને કારણે કેટલું નુકસાન થયું છે તેની હજુ સચોટ જાણકારી મળી નથી. મોટા ભાગના લોકો એક હોટલની છત ધરાશયી થવાને કારણે ઘાયલ થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ૬.૭ની તીવ્રતાના ભૂકંપના પ્રથમ આંચકા બાદ ૨૦થી વધુ આફ્ટર શોક્સ અનુભવાયા છે. સમગ્ર તુર્કી અને ગ્રીસમાં ભૂકંપને લઈને ભારે ફફડાટ પ્રવર્તી રહ્યો છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. સુનામી આવ્યા બાદ અનેક શહેરોમાં જળબંબાકાર સર્જાયો હતો.
http://sambhaavnews.com/

You might also like