ઈરાનમાં ફરી ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભારે અફરાતફરી

તહેરાન: ઈરાનના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં ફરી ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવતાં આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.  ઈરાનમાં ગઈકાલે બપોરે લગભગ ૧૨-૧૫ કલાકે દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં ૬.૨ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. જેના કારણે લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.

જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિ થયાના અહેવાલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં પણ ઈરાન-ઈરાક સરહદ પર આવેલા ૭.૩ની તીવ્રતાના ભૂકંપથી ૬૨૦ લોકોનાં મોત થયાં હતાં. તેમજ અનેક લોકો ઘવાયા હતા. આ ઉપરાંત અનેક ઈમારતો પડી જતાં ભારે નુકસાન થયું હતું. જોકે ગઈ કાલે આવેલા ભૂકંપના કારણે રાવર કસબામાં રહેતી એક મહિલાને ઈજા થતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યારે આ વિસ્તારના છ ગામમાં જૂનાં ઘરોને નુકસાન થયું હતું.

આ ભૂકંપનું એપી સેન્ટર રાજધાની કેરમાનની ઉત્તર દિશાએ લગભગ ૫૦ કિમી દૂર હેજદાક કસબા પાસે રહ્યું હતું. આ વિસ્તાર તહેરાનથી ૮૦૦ કિમી દૂર છે. ભૂકંપના કારણે દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં નુકસાનની સંભાવનાથી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

જોકે ગઈકાલે આવેલા ભૂકંપને કારણે કોઈ જાન હાનિ નહિ થયાના તેમજ મકાન કે અન્ય જાહેર મિલકતનો નુકસાન નહિ થયાના અહેવાલથી તંત્રએ રાહત અનુભવી હતી. ગત મહિનામાં પણ ઈરાનમાં આવેલા ભૂકંપના કારણે ૬૨૦ લોકોનાં મોત થયાં હતાં.

You might also like