મ.પ્રદેશમાં વિઝા પર રહેતા ૨૨૭ પાકિસ્તાની ગાયબ

ભોપાલ: ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે ત્યારે ગુપ્તચર એજન્સીઓએ વિઝા પૂરા થઈ જવા છતાં ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવા રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે.જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વિઝાના આધારે રહેતા 227 જેટલા પાકિસ્તાની ગાયબ થઈ ગયા છે.આ અંગે રાજ્યના ઈન્ટેલિજન્સ બ્યૂરોએ તપાસ કરવા છતાં હજુ તેમની ભાળ મળી નથી.

એક માહિતી અનુસાર આવા પાકિસ્તાનીઓ રાજ્યમાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમના દેશમાં પરત ગયા નથી. જોકે ગૃહ મંત્રાલયના અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં મધ્યપ્રદેશમાં વિઝા પૂરા થઈ જવા છતાં 1779 પાકિસ્તાનીઓ ભારતમાં રોકાઈ રહ્યા હતા. જોકે પોલીસે આવા પાકિસ્તાનીઓ પૈકી મોટાભાગના લોકોને પરત મોકલી આપ્યા છે. પરંતુ તેમાંથી 227 પાકિસ્તાનીઓને પોલીસ હજુ શોધી શકી નથી. મોટાભાગના પાકિસ્તાનીઓ દિલ્હી, મુંબઈ અને પંજાબ સરહદ પર આવેલા અટારીના રૂટ પરથી પાકિસ્તાન પરત જતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશ પોલીસ જે 227 પાકિસ્તાનીઓની તપાસ કરી રહી છે તેઓ પાકિસ્તાન પરત જવા નીકળ્યા તો હતા પણ આ રૂટ પર જોવા મળ્યા ન હતા.આવા લોકો પરત ગયા છે કે નહિ તેની ખાતરી દિલ્હી, મુંબઈ અને અટારીથી પાકિસ્તાન પરત ફરેલા લોકાની યાદી પરથી કરવામાં આવે છે.

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાંથી ત્રણ વિદેશી નાગરિકોને પોલીસે પકડયા છે. જેમાં એક પાકિસ્તાની યુવક અકબર શાહ અબ્દુલ બારી ખાન(ઉ.વ.29) દેવાસમાંથી પકડાયો હતો. તે અહિ એક યુવતીને ત્યાં રોકાયો હતો.અને વિઝા પૂરા થઈ જવા છતાં પરત ગયો ન હતો.  આ ઉપરાંત ડિસેમ્બરમાં મિસરોદ પોલીસે ઉઝબેકિસ્તાનની એક 35 વર્ષીય મહિલા બાર્નોને જાટખેડીથી પકડી હતી. તેની પાસે વિઝા ન હતા. તે નેપાળના માર્ગેથી બિહાર સરહદેથી ભારતમાં આવી જાટખેડીમાં રહેતી હતી. જોકે હવે તેને તેના દેશમાં મોકલવામાં આવશે. જ્યારે જાન્યુઆરી 2016માં બૈતુલના ભૈંસદેહી ગામમાંથી યમનના શેખ ખાલિદ ઈબ્રાહીમ ખાદમીની ધરપકડ કરવામાં આવી હતી. તે અહીં મદરેસામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા મહારાષ્ટ્ર આવ્યો હતો. જોકે તેના વિઝા 2015માં પૂરા થઈ ગયા હતા.

પાકિસ્તાની નાગરિકોના મુદે એમપી ચોથા ક્રમે
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિઝા પૂરા થઈ જવા છતાં કેટલાક પાકિસ્તાનીઓ હજુ ભારતમાં જ રહેતા હોવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલય તરફથી કરાવવામાં આવેલી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં જે રાજ્યોમાં સૌથી વધુ પાકિસ્તાનીઓ વિઝા વિના લાંબા સમયથી રોકાઈ રહ્યા હતા તેમાં 1779 કેસ સાથે મધ્યપ્રદેશ દેશમાં ચોથા સ્થાને આવ્યું છે. જ્યારે સૌથી વધુ 8500 પાકિસાતની નાગરિક રાજસ્થાનમાંથી મળ્યા છે.

You might also like