મ.પ્રદેશની સ્કૂલ ડાયરીના નક્શામાં કાશ્મીર ગાયબઃ દેશદ્રોહનો કેસ દાખલ

ભોપાલ: મધ્ય પ્રદેશની એક સ્કૂલના આચાર્ય અને ડાયરેક્ટર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સ્કૂલમાં બાળકોને એવી ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું કે જેમાં છપાયેલા ભારતના નક્શામાં કાશ્મીર ગાયબ હતું.

આ ઘટના શાહડોલ જિલ્લાના બુધર વિસ્તારની છે. અહીંની ગ્રીન વેલ્સ સ્કૂલની ડાયરીમાં દેશનો એક એવો નક્શો છાપવામાં આવ્યો છે કે જેમાં કાશ્મીર દેખાતું જ નથી.

આ અંગે વાત કરતાં શાહડોલના એસ.પી. સુશાંત સક્સેનાએ જણાવ્યું હતું કે સ્કૂલના ડાયરેક્ટર, પ્રિન્સિપાલ અને પ્રિન્ટિંગ પ્રેસના માલિકને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્રણેય સામે આઈપીસીની કલમ ૧૨૪ (દેશદ્રોહ), ૧૫૩-બી અને ૩૪ હેઠળ ગુનો નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો છે. સકસેનાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને એવી સ્કૂલ ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું કે જેમાં છપાયેલા નક્શામાંથી કાશ્મીર ગાયબ છે. આ અંગે તપાસ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

જ્યારે બાળકોનાં માતા-પિતા અને વાલીઓએ ડાયરીમાં છપાયેલ નક્શો જોયો ત્યારે આ બાબત ધ્યાન પર આવી હતી. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ સ્કૂલના ડાયરેક્ટર મોહમ્મદ શરીફ નિયાઝી, આચાર્ય ગોવિંદચંદ્રા દાસ અને પ્રિન્ટર અરુણકુમાર અગ્રવાલ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

You might also like